સુરત: મહિલાઓને અભયદાન આપતી ૧૮૧ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર પોતાની ઉમદા ફરજ અદા કરી છે. વાત એમ છે કે, સુરતની પરિણીત યુવતી શબનમ (નામ બદલ્યું છે)ને તેનો પતિ સલીમ અવારનવાર નજીવી બાબતમાં ખૂબ જ મારપીટ કરતો હતો. પરિણામે બે માસની સગર્ભા શબનમને ગર્ભપાત થઇ ગયો હતો.
કોઈ ત્રાહિત વ્યક્તિએ ૧૮૧ અભયમ પર કોલ કરી આ મહિલાને પતિના ત્રાસમાંથી મુક્ત કરાવવા અરજ કરી હતી. જેથી તાત્કાલિક દર્શાવેલા સ્થળે અભયમ હેલ્પલાઇનની કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત રેસ્ક્યુ વાન મહિલાની મદદે પહોંચતા શબનમ હોસ્પિટલમાં દાખલ હોઈ, હોસ્પિટલ જઈને પીડિતાની આપવિતી સાંભળી હતી.
શબનમે જણાવ્યું કે, તેનાં પતિ સાથે સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નજીવનના શરૂઆતના વર્ષોમાં દંપતિ વચ્ચે સારો મનમેળ હતો. સંતાનમાં તેઓને એક દીકરી પણ થઇ હતી. સમય જતા પતિએ શંકાશીલ સ્વભાવ રાખી તેની નાની મોટી ખામીઓ શોધી તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું. સલીમ કાયમી રીતે કોઈ નોકરી-ધંધો કરતો ન હતો. જેથી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ તંગ રહેતી હતી. શબનમ આર્થિક ભીંસના કારણે ગુજરાન ચલાવવા નાનું-મોટું કામ કરતી હતી. પોતે ગર્ભવતી હોવાથી આવનાર સંતાન તથા પોતાની દીકરીના ભવિષ્ય સામે જોઇને પતિનો અસહ્ય ત્રાસ સહન કરતી હતી. પાંચ દિવસ પહેલા તેના પતિએ પેટમાં લાતો મારીને ખૂબ જ મારઝૂડ કરતાં તેને ગર્ભપાત થઈ ગયો હતો. જેથી તેના સંબંધીઓએ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી.
સલીમે ભાડાના મકાનમાં રહેતો હતો હોવાથી તેણે બહાનું બતાવીને મકાનમાલિકને આપેલી ડિપોઝિટની રકમ પરત લઇને ઉડાવી દીધી હતી. જેથી મકાન માલિકે મકાન પણ ખાલી કરવા જણાવ્યું હતું. આમ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ઘેરાયેલી શબનમ આખરે રોજબરોજની મારઝૂડ અને ત્રાસથી તેણી પતિ વિરુદ્ધ ફરિયાદ આપવા મજબૂર બની હતી. પોલિસે પણ પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.