અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતી એક યુવતીને તેના પતિએ વેલણ વડે ગંભીર માર મારતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. યુવતીના પતિએ તેને નોકરી કરવાની ના પાડતાં બુધવારની મોડી રાતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પતિએ ટ્રાફિકબ્રિગેડમાં ફરજ બજાવતી પોતાની પત્નીને વેલણ લઇ ફરી વળ્યો હતો. આવેશમાં પતિએ પત્નીને એટલી હદે માર મારી હતી કે, તેને તાત્કાલિક ૧૦૮ બોલાવી ઇમરજન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શિવસુખનગરમાં રહેતી અને રાયપુર ખાતે ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતી શિવાની રાઠોડે તેના પતિ યતીનભાઇ રાઠોડ વિરુદ્ધમાં માર મારવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે, શિવાની અને યતીનભાઇના ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. છેલ્લા ૧પ દિવસથી ટ્રાફિક બ્રિગેડમાં નોકરીને લઇ શિવાની અને યતીનભાઇ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. મંગળવારની રાતે શિવાની નોકરી પરથી પરત આવી ત્યારે યતીનભાઇએ તેની સાથે બોલાચાલી કરી હતી. નોકરી નહી કરવાની જીદ પકડી બોલાચાલી બાદ યતીનભાઇએ એકાએક શિવાની પર વેલણથી હુમલો કરી દીધો હતો. શિવાનીને વેલણ વડે ઢોર માર માર્યા બાદ યતીનભાઇએ પોતે ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી અને પત્નીને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ ગયા હતા.
ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં તેનો સ્ટાફ પણ તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમાં આવી ગયો હતો. પોલીસે પત્નીની ફરિયાદના આધારે આરોપી પતિ યતીનભાઇ વિરુદ્ધમાં જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી હતી. યતીનભાઇએ પોતાનો ગુનો સ્વીકારતાં જણાવ્યું છે કે છેલ્લા દોઢેક વર્ષથી મારા બે વર્ષના પુત્રને મારી માતા સંભાળી રહી છે. શિવાનીને નોકરી કરવાની ના પાડી તેમ છતાંય તે નોકરી પર જાય છે. બુધવારે પણ કહ્યા વગર નોકરી પર જતી રહી હતી, જેથી મોડી રાતે તેને વેલણથી મારી હતી. આ બનાવને પગલે પોલીસબેડામાં પણ ભારે ચર્ચા ચાલી હતી.