મુંબઈ : ડોલર સામે રૂપિયામાં પાંચ વર્ષમાં એક દિવસમાં સૌથી મોટો સુધારો આજે નોંધાયો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ૧૦૦ પૈસા સુધરીને ૭૨.૪૫ની સપાટીએ રહ્યો હતો. ક્રૂડની કિંમતમાં નરમાઈ આવી છે. ઇરાનિયન ઓઇલ આયાત પર પ્રતિબંધથી ભારતને અમેરિકાએ રાહત આપી દીધી છે. ઉપરાંત ઇક્વિટી માર્કેટમાં પણ તેજી આવી છે. નવેસરથી ફોરેન ફંડ પ્રવાહની સ્થિતિ પણ જોવા મળી રહી છે.
છેલ્લા બે કારોબારી સેશનમાં ડોલર સામે રૂપિયામાં ૧૫૦ પૈસાનો સુધારો થઇ ચુક્યો છે. ગઇકાલે ડોલર સામે રૂપિયામાં ૫૦ પૈસાનો સુધારો થયો હતો. આજે શુક્રવારના દિવસે ડોલર સામે રૂપિયો ૭૩.૧૪ની સપાટીએ ખુલ્યો હતો. ઇન્ટ્રા ડે દરમિયન ૧૦૨ પૈસા સુધર્યો હતો. આખરે ૧૦૦ પૈસા સુધરીને ૭૨.૪૫ની સપાટીએ રહ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૩ બાદથી ડોલર સામે રૂપિયામાં સૌથી મોટો સુધારો થયો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત ઘટાડો થઇ રહ્યો છે. વર્તમાન ખાતાકીય ખાધ સતત વધી રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતને ઓઇલના મામલે રાહત પણ આપી છે જેની અસર જાવા મળી રહી છે.