મુંબઈ: રિઝર્વ બેંકે વ્યાજદરોને યથાવત રાખવાનો નિર્ણય કર્યા બાદ તેની માઠી અસર જાવા મળી હતી. વ્યાજદરો યથાવત રખાતા આજે ડોલર સામે રૂપિયો એક વખતે ૭૪થી નીચે પહોંચી ગયો હતો. જા કે, કરન્સીમાં રિકવરી થઇ હતી અને અંતે ૧૮ પૈસા ઘટીને ૭૩.૭૭ની સપાટીએ રહ્યો હતો. ધારણાની બિલકુલ વિરુદ્ધ જઇને આરબીઆઈએ રેપોરેટને ૬.૫૦ ટકાના દરે યથાવત રાખ્યા હતા.
બીજી બાજુ આરબીઆઈએ જીડીપી ગ્રોથનો અંદાજ પણ ૭.૪ ટકાના દરે યથાવત રાખ્યો હતો. આ પહેલા બે નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં વધારો કરવામાં આવ્યો હતો. રેપોરેટને ૬.૫૦ ટકા અને રિવર્સ રેપોરેટ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો છે. ક્રૂડની કિંમતમાં વધારો અને ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થવાના કારણે મોંઘવારી વધવાની આશંકા દેખાઈ રહી હતી આરબીઆઈએ વ્યાજદરને યથાવત રાખીને તમામને ચોંકાવી દીધા છે. રૂપિયાની સ્થિતિને સુધારવા માટે આરબીઆઈ દ્વારા રેટમાં વધારો કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું હતું.
રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું હતું. ગુરુવારના દિવસે રૂપિયામાં ૨૪ પૈસાનો ઘટાડો થતાં તેની સપાટી ૭૩.૫૮ રહી હતી. આજે એક વખતે ડોલર સામે રૂપિયો ૭૪.૧૩ સુધી પહોંચી ગયો હતો. જા કે, ત્યારબાદ તેમાં રિકવરી નોંધાઈ હતી. શુક્રવારના દિવસે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બજારમાં હાહાકાર મચાવ્યો હતો. મુંબઈ સ્ટોક એક્સચેંજના ૩૦ શેર સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. આની સાથે જ સેંસેક્સ ૨.૨૫ ટકા અથવા તો ૭૯૨ પોઇન્ટ ઘટીને ૩૪૩૭૭ની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૨૮૩ પોઇન્ટ ઘટીને અથવા તો ૨.૬૭ ટકા ઘટીને ૧૦૩૧૬ની સપાટીએ રહ્યો હતો.