અમદાવાદ : શહેરમાં જાહેર પરિવહન સેવાની દૃષ્ટિએ આજે પણ લોકો પાસે એએમટીએસ અને બીઆરટીએસ એમ બે જ વિકલ્પ , તેમાં પણ બીઆરટીએસનો વ્યાપ મર્યાિદત હોઈ પેસેન્જરને એએમટીએસના આધારે રહેવું પડે છે, જોકે દિવાળીના આ તહેવારોમાં એએમટીએસના ભરોસે શહેરીજનોને નિરાશા સાંપડે તેવી શકયતા વધુ છે. કારણ કે, દિવાળીના તહેવારો દરમ્યાન રૂટીન દિવસો કરતાં એએમટીએસની ૧૫૦ જેટલી બસો ઓછી મૂકવાનું તંત્રનું આયોજન છે. આમ તો સામાન્ય દિવસોમાં એએમટીએસની દરરોજ ૬૮૦થી ૬૯૦ બસ રોડ પર મુકાય છે.
એએમટીએસમાં ખાનગીકરણની બોલબાલા હોઈ સંસ્થાની માલિકીની બસ એક અથવા બીજા ડેપો પર પડી રહેતી હોઈ ૯૫થી ૧૦૦ બસ રોડ પર મુકાય છે, તેમાં પણ રવિવારની રજાના દિવસે તો ખુદ શાસકોએ ૧૦૦ બસ ઓછી દોડાવવાની બજેટમાં જાહેરાત કરી છે અને રવિવારે પેસેન્જર્સને બસની પ્રતીક્ષા જ કરવી પડે છે. જ્યારે તહેવારોનો રાજા ગણાતા દિવાળીના દિવસોમાં પણ એએમટીએસનો રનિંગ સ્ટાફ ગામડે રજા પર જતો રહેતો હોઈ પેસેન્જરના લમણે બસનાં ધાંધિયાં જ આવે છે. સત્તાવાળાઓ પણ દિવાળીના સપરમા દિવસોમાં પેસેન્જરને રાહત આપવામાં મહદંશે નિષ્ફળ નિવડ્યા છે.
આ દિવાળીમાં પણ પેસેન્જર કફોડી હાલતમાં મુકાશે. એએમટીએસના સત્તાવાળાઓ દિવાળીના તહેવારમાં રોજની સરેરાશ બસની તુલનામાં ૧૫૦ જેટલી બસ ઓછી મૂકવાના હોઈ પેસેન્જરે બસના ભરોસે બહુ રહેવા જેવું નથી. જોકે હજુ સુધી શાસકોએ બસના સમયપત્રક માટે કોઈ આગોતરું આયોજન કર્યું ન હોઈ ખાસ કરીને રૂ. ૩૫ અને રૂ. ૨૦ની મનપસંદ ટિકિટ લેનારા મહિલા સહિતના પેસેન્જર કમસે કમ લાભ પાંચમ સુધી રઝળશે તેમ ચર્ચાઈ રહ્યું છે. તેથી આ મુસાફરો ખાનગી રીક્ષા, ઉબેર સહિતના અન્ય વિકલ્પો તરફ વળવા મજબૂર બને તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.