અમદાવાદ : ભારતીય ક્રિકેટ ઇતિહાસના લીજેન્ડ ખેલાડી અને પદ્મ શ્રી અજિત વાડેકરને શ્રધ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી ત્રણ દિવસ દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ખેલાડીઓની ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે. જેમાં દેશભરમાંથી પસંદગી પામેલા દિવ્યાંગ ક્રિકેટર ખેલાડીઓ ભાગ લેશે. દિવ્યાંગ ક્રિકેટર ખેલાડીઓના પ્રોત્સાહન માટે આરએસએસની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદના સાબરમતી વોર્ડના મંત્રી રમેશભાઇ ગીડવાણી, સંસ્થાના અગ્રણી હસમુખ વાઘેલા, નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો સ્ટેડિયમની મુલાકાત લેશે અને દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરશે.
તા.૩ જી ડિસેમ્બરે ભારત ઇલેવન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેવન વચ્ચે ફાઇનલ જંગ ખેલાશે. આ પ્રસંગે ખુદ શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, ભારતીય ટીમના એક જમાનાના લીજેન્ડ ખેલાડી કરસન ઘાવરી સહિતના મહાનુભાવો હાજર રહેશે. તા.૩જી ડિસેમ્બરની રસપ્રદ ક્રિકેટ મેચની અનોખી અને નોંધનીય વાત એ છે કે, ભારત ઇલેવનની ટીમમાં દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ક્રિકેટરો હશે, જયારે તેમની સામે ટકરાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેવનની ટીમમાં શારીરિક રીતે સંપૂર્ણ ફીટ ખેલાડીઓની ટીમ હશે. એટલે કે, ડિસએબલ્ડ અને એબલ્ડ વચ્ચે મર્દાનગીભર્યો ક્રિકેટ જંગ જામશે. ગુજરાત ક્રિકેટ એસોસીએશન ફોર ડિસએબલ્ડના પ્રમુખ ગુરનામસિંહ મથારૂ, ઉપપ્રમુખ જીગ્નેશ ડાભી અને સેક્રેટરી દિપેન ગાંધીએ ક્રિકેટજગતની આ અનોખી અને પ્રોત્સાહક ઇવેન્ટ અંગે જણાવ્યું હતું કે, એસોસીએશનની સબ કમીટી દ્વારા દેશભરમાંથી યોગ્ય અને પાત્રતા ધરાવતાં દિવ્યાંગ-ફિઝિકલી ચેલેન્જ્ડ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે
તા.૧ લી ડિસેમ્બરથી ભારતભરમાંથી આવેલા આ દિવ્યાંગ ક્રિકેટર ખેલાડીઓ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે અને તેના આધારે ભારત ઇલેવન નામની એક ટીમ બનશે. જે તા.૩જી ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એબલ્ડ ટીમ એટલે કે, શારીરિક રીતે સંપૂર્ણ ફીટ ખેલાડીઓની ટીમ અને ભારત ઇલેવનના ડિસએબલ્ડ દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે રસપ્રદ ક્રિકેટ મેચ રમાશે. દિવ્યાંગ ખેલાડીઓના પ્રોત્સાહન અને સન્માન માટે આવતીકાલે આરએસએસની ભગિની સંસ્થા ભારત વિકાસ પરિષદના સાબરમતી વોર્ડના મંત્રી રમેશભાઇ ગીડવાણી, સંસ્થાના અગ્રણી હસમુખ વાઘેલા, નવા વાડજ વોર્ડ ભાજપના મહામંત્રી મુકેશ પટેલ સહિતના આગેવાનો સ્ટેડિયમની મુલાકાત લેશે અને દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરશે. દરમ્યાન તા.૩જી ડિસેમ્બરની ભારત ઇલેવન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેવન વચ્ચેની રસપ્રદ મેચ નિહાળવા મેયર શ્રીમતી બીજલબહેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા ભારતીય ટીમના એક જમાનાના લીજેન્ડ ખેલાડી કરસન ઘાવરી સહિતના મહાનુભાવો ખાસ ઉપÂસ્થત રહેશે. દિવ્યાંગોની ડિસએબલ્ડ ભારતીય ઇલેવન અને અમ્યુકોની ઇલેવનની એબલ્ડ ટીમ વચ્ચેની મેચને લઇ ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સુકતા છવાઇ છે.