નવી દિલ્હી : કોંગ્રેસના સોશિયલ મિડિયા પ્રભારી દિવ્યા સ્પંદનને પોતાના ટ્વિટર એકાઉન્ટને ડીએક્ટિવ કરી દેતા કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. એમ માનવામાં આવે છે કે, દિવ્યા પણ કોંગ્રેસ પાર્ટીને છોડવા માટે નિર્ણય કરી ચુકી છે. ટૂંક સમયમાં જ સત્તાવારરીતે આની જાહેરાત કરી શકે છે. એકાઉન્ટને ડિએક્ટિવ કરતા પહેલા જ દિવ્યાએ પોતાના તમામ ટ્વિટ ડિલિટ કરી દીધા છે. સોશિયલ મિડિયા બાયોમાં પણ કોંગ્રેસ સોશિયલ મિડિયા પ્રભારીનો પરિચય દૂર કરી દીધો છે. એવી અટકળો લાવવામાં આવી રહી છે કે, દિવ્યા પોતાનો હોદ્દો છોડી દીધો છે. કોંગ્રેસ પાર્ટી અથવા દિવ્યાએ પોતે આ સંદર્ભમાં કોઇ માહિતી આપી નથી. લાંબા સમયથી એવા અહેવાલ આવી રહ્યા હતા કે, સોશિયલ મિડિયા પ્રભારીના હોદ્દાથી તેમની હકાલપટ્ટી કરવામાં આવી ચુકી છે.
આ પ્રશ્નના જવાબમાં દિવ્યાએ માત્ર એટલું જ કહ્યું છે કે, આ પ્રકારની માહિતી આપનાર લોકો ખોટા છે. કોંગ્રેસની મિડિયા વિંગ તરફથી આવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સોશિયલ મિડિયા ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસની ફેન ફોલોઇંગ વધારવા માટેની જવાબદારી દિવ્યાને આપવામાં આવી હતી અને દિવ્યાએ આમા ચાવીરુપ ભૂમિકા ભજવી હતી. રાહુલ ગાંધીના ફોલોઅર્સને વધારવામાં પણ તેમની ચાવીરુપ ભૂમિકા હતી. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસમાં મોટાપાયે ફેરફારના સંકેતો પહેલાથી જ આપવામાં આવી ચુક્યા છે.
લોકસભાની ચૂંટણી પહેલા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લીધો હતો અને શિવસેનામાં જાડાઈ ગયા હતા. થોડાક દિવસ સુધી ચતુર્વેદીએ પણ મિડિયા પ્રોફાઇલથી કોંગ્રેસ પ્રવક્તા તરીકેની પોતાની ઇમેજ દૂર કરી હતી અને મોડે પાર્ટી સાથે છેડો ફડવાની જાહેરાત કરી હતી.