નારી સુરક્ષાને લઇને સતત ઉઠી રહેલા સવાલોની વચ્ચે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના મહિલા અને પુરૂષો વચ્ચે અસમાનતાને લઇને નવેસરથી અહેવાલ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. મહિલાઓના આરોગ્ય અને ઉત્તરજીવિતા(સર્વાઇકલ) તેમજ આર્થિક ભાગીદારીના ક્ષેત્રમાં ભારત એક વર્ષ પહેલાની તુલનામાં હવે ચાર સ્થાન નીચે પહોંચીને ૧૧૨માં સ્થાને છે. વિશ્વ આર્થિક મંચની મહિલા અને પુરૂષોની વચ્ચે જુદા જુદા ક્ષેત્રોમાં વધી રહેલા અંતર સાથે સંબંધિત આ વાર્ષિક સર્વેક્ષણમાં કેટલીક ઉપયોગી બાબત પર ધ્યાન આપવામાં આવ્યુ છે. આ રિપોર્ટમાં આરોગ્ય, આર્થિક ભાગીદારીના મામલે તો ભારત દુનિયાના સૌથી નીચેના સ્થાને રહેલા પાંચ દેશોમાં સામેલ છે.
હેરાન કરનાર બાબત એ છે કે જાતિય ભેદના મામલે ભારત શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશો કરતા પણ નીચેના સ્થાન પર છે. આ અંતર માટે મોટુ કારણ મહિલાઓની દરેક ક્ષેત્રમાં કરવામાં આવી રહેલી ઉપેક્ષા રહેલી છે. એકબાજુ મહિલાઓ દરેક ક્ષેત્રમાં જોરદાર રીતે આગળ વધી રહી છે અને મોટી મોટી સિદ્ધી હાંસલ કરી રહી છે ત્યારે બીજી બાજુ મહિલાઓ સાથે બળાત્કાર, છેડતી અને સ્થાનિક હિંસા જેવા અપરાધ પણ વધી રહ્યા છે. આ પ્રકારના અપરાધ જે ગતિથી વધી રહ્યા છે તે જોતા મહિલાઓ અને યુવતિઓ હવે પોતાને બિનસુરક્ષિત અનુભવ કરી રહી છે. જોવામાં આવે તો જાતિય અસમાનતા સમાજની સૌથી મારક સમસ્યા પૈકીની એક સમસ્યા તરીકે છે.
મહિલાઓને સમાનતાના અધિકાર આપવાની બાબત તો દુરની છે તેમને નાના મોટા અધિકારથી પણ વંચિત રાખવામાં આવી રહ્યા છે. આર્થિક અને રાજકીય તકના મામલે તો મહિલાઓ ભેદભાવનો શિકાર થઇ રહી છે. શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં પણ તેમને પાછળ રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આને પાછળ રાખવામાં સરકારની નીતિઓ પણ જવાબદાર છે. ફોરમની એવી ચિંતા પર પણ ધ્યાન આપવાની જરૂર છે કે માત્ર ભારત જ નહીં બલ્કે દુનિયાના દેશોને મહિલાની સાથે થઇ રહેલા ભેદભાવને દુર કરવામાં ખુબ સમય લાગી શકે છે. બંને મોરચા પર જેન્ડર બજેટ માટે દાવો કરનારી સરકારો કોઇ ખાસ પગલા લેવામાં નિષ્ફળ છે.
આવી સ્થિતીમાં સામાજિક સુધારાની બાબત પણ દુરની દેખાઇ રહી છે. દેશની લોકશાહી વ્યવસ્થા પર નજર કરવામાં આવે તો છેલ્લી ત્રણ સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ જોરદાર રીતે સક્રિય થઇ રહી છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ હતી. કેટલાક એવા વિસ્તારો પણ હતા જ્યાં મહિલાઓએ પુરૂષોની તુલનામાં વધારે મતદાન કર્યુ હતુ. રાજકીય પક્ષો જાતિ અને ધર્મની રાજનીતિ કરવાના બદલે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દા પર વાત કરે તે જરૂરી છે.