નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવેમંત્રી પીયુષ ગોયેલે રેલવેમાં ટૂંક સમયમાં જ બમ્પર ભરતી શરૂ કરવાના સંકેત આપ્યા છે. રેલવે સુરક્ષા ફોર્સમાં ૧૦૦૦૦ હોદ્દાઓ ઉપર ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ભરતીમાં પણ ૫૦ ટકા સીટો મહિલાઓ માટે રાખવામાં આવશે. ટ્રેનોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઇને કઠોર પગલા લેવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને આરપીએફમાં મોટાપાયે મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે.
બિહાર પ્રવાસ ઉપર રહેલા પીયુષ ગોયેલે કહ્યું હતું કે, રેલવે દ્વારા ભરતીની પ્રક્રિયાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રેલવેની અનેક યોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ માટે પહોંચેલા ગોયેલે કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, રેલવેમાં સુરક્ષા મજબૂત કરવામાં આવશે.
આરપીએફમાં ૧૦૦૦૦ જવાનોની તૈનાતી કરાશે જેમાં ૫૦ ટકા મહિલાઓ રહેશે. આરપીએફ માટે ટૂંક સમયમાં જ અરજી પ્રક્રિયા શરૂ કરાશે. બાળકો અને મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે. દેશભરમાં તમામ ૬૦૦૦ સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવશે. આરપીએફમાં ભરતી ઉપરાંત ૧૩૦૦૦ નોકરીની અન્ય તકો ઉભી કરવામાં આવશે. આ પોસ્ટ માટે કોમ્પ્યુટર ટેસ્ટના આધાર પર ભરતી કરાશે. આના માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
પટણામાં આયોજિત કાર્યક્રમમાં રેલવેમંત્રીએ પટણા-દીઘા રેલવે જમીન સાથે સંબંધિત કાગળ બિહાર સરકારને સોંપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ હસ્તાંકરણની પ્રક્રિયાથી પટણાના લોકોને ટ્રાફિક સંબંધિત સમસ્યાથી રાહત મળશે. લોકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. રેલવે આ જમીન બિહાર સરકારને સોંપી રહી છે. બિહાર સરકાર આ જમીન ઉપર ફોરલેન માર્ગનું નિર્માણ કરશે.