અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં સામાન્ય લોકોની સાથે સાથે એક પછી એક નેતાઓ આવી રહ્યા છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ રાજ્યમંત્રી દિનશા પટેલે હાર્દિકને મળીને તેને સમર્થન આપ્યું હતું. હાર્દિકની મુલાકાત બાદ દિનશા પટેલે જણાવ્યું હતું કે, નીતિમત્તાના આધાર પર હાર્દિકની માંગણીઓ યોગ્ય અને વ્યાજબી છે, તેની માંગણીઓ નીતિ મત્તાની છે, તેથી સરકારે તાત્કાલિક તેનો ઉકેલ લાવવો જોઈએ. હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય વધુને વધુ બગડી રહ્યું છે અને તે અશક્ત થઈ ગયો છે. કોઇ ગંભીર પરિસ્થિતિ સર્જાય તે પહેલાં પટેલ કે અન્ય સમાજ હોય સરકારે વિચાર કરવો પડે અને સાથે મળીને અનામત અંગેનો વિચાર કરવો પડશે.
દિનશાએ ગુજરાત સહિત દેશમાં પેટ્રોલિયમના વધતા ભાવ મામલે વર્તમાન સરકારને આડેહાથ લીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારના સંજાગોમાં તમામ દિશામાં પ્રજા ભીંસાઈ ગઈ છે. દેવા માફી, નોકરી, શિક્ષણ આ તમામ પ્રશ્નો આજે ઉભા થયા છે પેટ્રોલ- ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા હું જ્યારે મંત્રી હતો ત્યારે એક રૂપિયાના ભાવ વધારા સામે મને જૂતાંનો હાર પહેરાવતા હતા, આજે રોજ ભાવ વધી રહ્યા છે, સરકારે જાતે જ જૂતાનો હાર પહેરવો જોઈએ. હાર્દિક પટેલની માંગણીઓ વ્યાજબી છે તેના નિરાકરણ માટે ૧૩ દિવસ ના થવા જોઈએ સરકારે નીતિમતા ધોરણે મંગાવામાં આવતી માંગો સંતોષવી પડે. હાર્દિક પટેલની તમામ માંગો સાથે હું સહમત છું .
હાર્દિક પટેલની સ્થિતિ નાજુક થઇ રહી છે ત્યારે આ બાબતનો સરકારે તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ. હાર્દિકની માંગણીને મારી સંમતિ છે, કારણ કે, નીતિમત્તાની માંગણીઓ પર વિચાર કરી શકાય. સમાજના નબળા વર્ગો માટેનો આ વિચાર છે. આજે બધી જ દિશામાંથી જે સામાન્ય માણસ ભિંસાઈ રહ્યો છે ત્યારે ગરીબ વિદ્યાર્થીઓની ફીનો વિચાર કરીએ, ખેડૂતોના દેવા માફીની વાત કરીએ. હું પેટ્રોલિયમ વિભાગમાં હતો ત્યારે એક રૂપિયાનો ભાવ વધ્યો હતો ત્યારે ભાજપના આ જ લોકો મને જૂતાનો હાર પહેરાવવા આવ્યા હતા. હવે આજે પરિસ્થિતિ બેકાબૂ બની છે ત્યારે આવા લોકોએ જાતે જૂતાનો હાર પહેરી લેવો જાઇએ. હાર્દિકના ઉપવાસ એ વ્યાજબી માંગણીઓ માટે છે અને તેનો ઉકેલ આવવો જ જોઈએ. હું કોઈ પટેલ તરીકે નહી પરંતુ એક ભારતીય તરીકે વાત કરું છું. હું તો પોતે એમ માનું છું કે ઉપવાસ એ ગાંધીજીનું હથિયાર છે અને આ હથિયાર કોઈ લઇ શકે નહીં. હાર્દિક પટેલની સ્થિતિ જ્યારે નાજુક હોય ત્યારે સરકારે આજ સાંજ સુધીમાં સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવે એવી હું પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરું છું.
દરમ્યાન રાજસ્થાનના પૂર્વમંત્રી અસરાર અહેમદે હાર્દિકની મુલાકાત લીધી હતી અને તેને સમર્થન આપ્યું હતું. જા કે, પૂર્વમંત્રી અહેમદને ઉપવાસી છાવણીથી ત્રણ કિલોમીટર પહેલા રોકવામાં આવ્યા હતા. એટલું જ નહી, પોલીસ દ્વારા તેમની કાસ્ટ પૂછવામાં આવી, આઈકાર્ડ માંગવામાં આવ્યું હતુ. મુલાકાત બાદ તેમણે હાર્દિક પટેલની માંગણી યોગ્ય અને વાજબી ગણાવી હતી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે, આ ગુજરાતમાં લોકતંત્રના મૂલ્યોનું હનન થઇ રહ્યું છે અને એ ભાજપ રકારની તાનશાહી ઉજાગર કરે છે.