અમદાવાદ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે સિવિલ હોસ્પિટલની સામે આવેલા દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે અદ્યતન સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકર, ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સહિતના અનેક મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનની ભગીરથ સેવા કામગીરીને બિરદાવી હતી અને ગરીબ દર્દીઓ તેમ જ તેમના સગાવ્હાલા માટે સેવા કરતી આવી સંસ્થાઓને આ પ્રકારના સંકુલના નિર્માણ માટે વિનામૂલ્યે જગ્યા આપવા પણ સરકાર કટિબધ્ધ છે.
આ પ્રસંગે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ તેમ જ તેમના પરિજનો-સગાઓને તબીબી અને આરોગ્યક્ષેત્રે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની આયુષ્યમાન, મા વાત્સલ્ય કાર્ડ સહિતની અનેક સારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. એશિયાની સૌથી મોટી એવી અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર, કિડની, હાર્ટ સહિતની ગંભીર બિમારીઓની સારવાર અર્થે આવતા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા નથી હોતા તેવા સમયે સિવિલ હોસ્પિટલના ગેટ નંબર-૩ની સામે જ આવેલ લાયન્સ કલબ ઓફ દિગ્વિજયનગરના દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ.૨૫ કરોડના ખર્ચે પંદર માળનું અદ્યતન અને ભવ્ય સંકુલનું નિર્માણ કરી આવા દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ માટે એક પ્રેમ અને હુંફભર્યું આશ્રયસ્થાન ઉભુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્સર, કિડની, હાર્ટ સહિતની ગંભીર બિમારીઓના દર્દીઓ અને તેમના સગાવ્હાલા માટે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનનું આ અદ્યતન સંકુલ સાચા અર્થમાં આશીર્વાદસમાન બની રહેશે.
દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ સંકુલમાં કેન્સર, કિડની ડાયાલિસીસ સહિતની ગંભીર બિમારીઓના દર્દીઓ અને તેમના પરિજનો કે સગાવ્હાલાઓને કોઇપણ જાતના ભેદભાવ કે પક્ષપાત વિના માત્ર ટોકન ભાવે રહેવા, જમવા સહિતની અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પંદર માળના આ નવા અદ્યતન સંકુલમાં કુલ ૧૭૭ રૂમની વ્યવસ્થા છે, જેમાં એસી અને નોન એસી રૂમ ટીવી, ફ્રીઝ, ગરમ અને ઠંડા પાણી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય જૂના બિલ્ડીંગમાં ૯૦ રૂમ પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમાં નવા સંકુલના ૧૭૭ રૂમોનો ઉમેરો થતાં હવે દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના આ સેવાકાર્યમાં કુલ ૨૬૭ રૂમો સાથે દર્દીઓની સેવા-સુવિધામાં ઉમેરો કરાયો છે.
આજના કાર્યક્રમ દરમ્યાન લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રવીણ છાજેડ, સરકારના નિવૃત્ત ઉચ્ચ અધિકારી પી.કે.લહેરી, દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશનના એકટીંગ ચેરમેન લલિતભાઇ સંઘવી, મનેજીંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઇ દલાલ અને ખજાનચી રાજેન્દ્રભાઇ લાલવાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.