ડિજિટલ ભારતમાં હાલના વર્ષોમાં ઇન્ટરનેટ્ કર્ફ્યુની સ્થિતી વારંવાર જોવા મળી રહી છે. આના કારણે સામાન્ય લોકોને જ નહીં બલ્કે દેશની અર્થવ્યવસ્થાને પણ ભારે નુકસાન થાય છે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા છ વર્ષના ગાળામાં જ ભારતમાં નેટ સટડાઉન અથવા તો ઇન્ટરનેટ બંધ રાખવાના મામલામાં ૪૫ ગણો વધારો થઇ ગયો છે.
એટલે કે ઇન્ટરનેટને જુદા જુદા સુરક્ષા પાસાના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. સામાન્ય લોકોની સાથે સાથે તમામ કારોબારીઓને પણ આના કારણે નુકસાન થાય છે. કેટલાક જરૂરી કામો અટવાઇ પડે છે. જમ્મુકાશ્મીરમાં સૌથી વધારે નેટબંધીના મામલા જોવા મળ્યા છે. રાજસ્થાન પણ પાછળ નથી. તે બીજા સ્થાન પર છે. આજે ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો યુગ છે. પરંતુ જુદા જુદા કારણોસર સરકારી આદેશ પર ઇન્ટરનેટની સેવા બંધ કરવામાં આવે છે. હાલના આધુનિક સમયમાં જ્યારે કારોબારીથી લઇને ખાનગી સંબંધો સુધી તમામ બાબતો ડિજિટલ કોમ્યુનિકેશન પર આધાર રાખે છે ત્યારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાની બાબત લોકો માટે અચડણો ઉભી કરી દે છે. લોકો માટે સુવિધા બંધ થઇ જાય છે.
ભારત ઇન્ટરનેટ ફ્રીડમના મામલે આંશિક મુક્ત શ્રેણીમાં આવે છે. દેશના કોઇ ભાગમાં હિંસા, તોફાન અથવા તો કોઇ અનિચ્છનીય ઘટના બનવાની સ્થિતીમાં ઇન્ટરનેટ સેવાને બંધ કરવામાં આવે છે. ત્રાસવાદીઓ સામે સુરક્ષા દળોના જંગ વેળા પણ નેટ સેવા બંધ કરી દેવામાં આવે છે. જ્યારે કોઇ સમુદાય અથવા તો સંગઠન દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવે છે ત્યારે પણ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્રને ભય રહે છે કે સોશિયલ મિડિયાનો ઉપયોગ કરીને અફવા વધારે ફેલાઇ જવાની સ્થિતીમાં હિંસા વધારે ફેલાઇ જાય છે. આવી સ્થિતીમાં સ્થિતી નિયંત્રણની બહાર થઇ શકે છે. કાનુન અને વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવે છે. ખાસ કરીને મોબાઇલ સેવાને બંધ કરી દેવામાં આવે છે. હાલના સમયમાં તો પરીક્ષામાં નકલને રોકવા માટે પણ ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવે છે. આ જ કારણ છે કે દેશમાં છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ ઇન્ટરનેટ સટડાઉન માટે ગ્રાફ ખુબ ઝડપથી વધી જતા જટિલ સ્થિતી સર્જાઇ ગઇ છે. સવાલ એ થાય છે કે આનાથી શુ ઉદ્ધેશ્ય હાંસલ થઇ શકે છે. સાથે સાથે અન્ય એક વિકલ્પ એ થાય છે કે શુ આ એકમાત્ર વિકલ્પ તરીકે છે. જ્યારે સરકાર ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવવા માટેના સપના જોઇ રહી છે ત્યારે આ પ્રકારના પગલા યોગ્ય છે કે કેમ તે પ્રશ્ન પણ થાય છે.
માનવામાં આવે છે કે ઇન્ટરનેટ પર પ્રતિબંધ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાને તો આંચકી જ લે છે પરંતુ સાથે સાથે દેશને આર્થિક નુકસાન પણ પહોંચાડે છે. ભારતમાં જે રીતે લોકો બેકિંગ, ઇ-કોમર્સ,થી લઇને હોટેલ, ટ્રેન, બસ, વિમાની સેવા માટે બુકિંગ તેમજ દરરોજની લાઇફ પર હવે ઇન્ટરનેટ સાથે જાડી ચુક્યા છે. તેને ધ્યાનમાં લઇને ઇન્ટરનેટની સેવાને બંધ કરી દેવાની બાબત બિનસુવિધા માટેનુ મોટુ કારણ છે. હાલમાં જ રાજસ્થાનમાં જયપુરના શાસ્ત્રીનગર વિસ્તારમાં સાત વર્ષની બાળકની સાથે રેપની ઘટના બન્યાની અફવા ફેલાઇ ગયાબાદ તેમજ હિંસાને રોકવા માટે તંત્ર દ્વારા તરત જ ૧૩ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ચાર દિવસ સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. સાયબર સિક્યરિટી નિષ્ણાંતોનુ કહેવુ છે કે સામાન્ય લોકો જ નહીં બલ્કે સરકાર પણ કેટલાક કામ ઓનલાઇન કરે છે.
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ પાસા પર વિચારણા કરવાની જરૂર હોય છે. પોલીસ અને તંત્રને સોશિયલ મિડિયા મોનિટરિંગ અથવા તો ઇન્ટેલિજન્સ ટુલ્સનો ઉપયોગ કરીને આગળ વધવાની જરૂર છે. પોલીસ, સુરક્ષા દળો અને અન્યોને આ દિશામાં ધ્યાન આપવાની તાકીદની જરૂર છે. ભારતમાં ઇન્ટરનેટ યુઝરની સંખ્યા માર્ચ ૨૦૧૯ના આંકડા સુધી ધ્યાનમાં લેવામાં આવે તો ૫૬ કરોડની આસપાસ પહોંચી જાય છે. સૌથી વધારે ઇન્ટરનેટ યુઝર્સના મામલે ચીન ૮૨.૯ કરોડ બાદ ભારત બીજા સ્થાન પર છે. દેશમાં ઇન્ટરનેટ બંધ કરવાના મામલા સતત વધતા રહે છે. આ દિશામાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે. ઇન્ટરનેટના મામલે ભારતમાં ભારે ક્રેઝ છે.