ચેન્નઈ – ડેમલર ટ્રક AGની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ (DICV)એ તેના સસ્ટેનેબિલિટી રોડમેપ પૂર્વે તેની અત્યાધુનિક ઓરાગદમ પ્રોડક્શન ફેસિલિટી ખાતે 100% પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરીને તેની સસ્ટેનેબિલિટીની યાત્રામાં એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી લીધું છે. તેની આ સિદ્ધિ પર્યાવરણની સુરક્ષા કરવાની DICVની કટિબદ્ધતાને દર્શાવે છે અને તે આ દિશામાં લેવામાં આવેલું મહત્વપૂર્ણ પગલું પણ છે, કારણ કે, કંપનીએ તેના વર્ષ 2025ના અંતના મૂળભૂત લક્ષ્યાંક પહેલાં જ સ્કોપ 2 ઇમિશન્સને સફળતાપૂર્વક ઘટાડી દીધું છે.
શરૂઆતથી જ DICVએ CO2eના ઉત્સર્જનને ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કરીને અને ઊર્જાના વપરાશને ઘટાડીને આબોહવા અને પર્યાવરણની સુરક્ષાને તેમના સંચાલનના કેન્દ્રમાં રાખ્યું છે. વર્ષ 2018થી કંપનીએ નિરંતરપણે તેના પુનઃપ્રાપ્ય ઊર્જાની પહેલને વિસ્તારી છે, જેના પરિણામે અત્યાધુનિક આંતરમાળખાંનું અમલીકરણ શરૂ થઈ શક્યું છે.
આ સિદ્ધિના કેન્દ્રમાં DICVની પુનઃપ્રાપ્ય ઊર્જા સંબંધિત દૂરંદેશી વ્યૂહરચના છે, જે સાઇટ પર સૌર ઊર્જાને ઉત્પન્ન કરવાની સાથે ઑફસાઇટ પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનું સંયોજન કરે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રાપ્ત કરીને કુલ 22,970 ટન CO₂eને ઑફસેટ કરવામાં આવ્યો છે, જે ડીકાર્બનાઇઝેશન પ્રત્યેની DICVની કટિબદ્ધતાને દર્શાવે છે.
15,000 સોલર પેનલથી સંચાલિત થતાં 4,300 kWની સર્વોચ્ચ ક્ષમતા ધરાવતા પુનઃપ્રાપ્ય ઊર્જા પેદા કરનારા પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન એ આ વ્યૂહરચનાનું મુખ્ય ઘટક છે. આ પ્લાન્ટ વાર્ષિક લગભગ 4,000 ટન CO₂eના ઉત્સર્જનને ઑફસેટ કરે છે, જે ઇન-હાઉસ ઉત્પન્ન કરવામાં આવેલી 17% પુનઃપ્રાપ્ય ઊર્જામાં યોગદાન આપે છે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે, ‘અમે DICVને સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી તરીકે સ્થાન અપાવવામાં નોંધપાત્ર પ્રગતિ સાધી છે અને અમારી ઓરાગદમ ફેસિલિટી ખાતે 100% પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ શરૂ કરવાનો અમને ગર્વ છે. લક્ષ્ય પહેલાં જ હાંસલ કરવામાં આવેલું આ સીમાચિહ્ન અમારી કામગીરીઓનું ડીકાર્બનાઇઝેશન કરવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. અમે વર્ષ 2018થી પુનઃપ્રાપ્ય ઊર્જા પરની અમારી નિર્ભરતાને વધારવા માટેના આંતરમાળખાનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છીએ અને હવે અમે સ્કોપ 2 ઇમિશન્સ હેઠળ 100% પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરી રહ્યાં છીએ. નિયામકીય માળખાં હેઠળ ઉપલબ્ધ વિવિધ ઊર્જા સ્રોતો મારફતે ગ્રીન પાવરની ખરીદી જેવી સરકારની સહાય અને સરકારની નીતિએ આ સિદ્ધિ હાંસલ કરવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે.’
પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપરાંત, DICV ઊર્જાની બચત કરવા અને CO2eના ઉત્સર્જનને વધુ ઘટાડવા માટે પુનઃપ્રાપ્ય સ્રોતોના વિકલ્પોને શોધવા પ્રત્યે હજુ પણ કટિબદ્ધ છે. આ પ્રકારની વિવિધ પહેલ સસ્ટેનેબિલિટી પ્રત્યેના કંપનીના સાર્વત્રિક અભિગમને અને કાર્બન-ન્યુટ્રલ ભવિષ્યનું નિર્માણ કરવા માટેની તેની કટિબદ્ધતાને દર્શાવે છે. સસ્ટેનેબિલિટીના અત્યાધુનિક વ્યવહારોને સામેલ કરીને DICVએ ઇન્ડસ્ટ્રીમાં નવા-નવા સીમાચિહ્નો સ્થાપવાનું ચાલું રાખ્યું છે, જે પર્યાવરણ પર સાર્થક પ્રભાવ પાડે છે અને તેને વધુ સંરક્ષણ પૂરું પાડનારા ભવિષ્યને ઘડે છે.
*‘‘CO2e’’ કાર્બન ડાયોક્સાઇડ-ઇક્વિવલેન્ટ ઇમિશન્સને સંદર્ભિત કરે છે અને તેમાં ફક્ત CO2નો જ નહીં પરંતુ અન્ય ગ્રીનહાઉસ ગેસોનો પણ સમાવેશ થાય છે. તેને ગ્લોબલ વૉર્મિંગની સંભાવનાનું વધુ સચોટ માપ માનવામાં આવે છે.