આદિત્ય ધરે દિગ્દર્શિત રણવીર સિંહની ધમાકેદાર જાસૂસી થ્રિલર ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે અને માત્ર 2 દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દીધી છે. બે દિવસમાં ₹61.70 કરોડનો તાબડતોડ કલેક્શન કરીને તમામને ચોંકાવી દીધા છે. પ્રથમ દિવસે જ શાનદાર કમાણી કરીને અને ભારતમાં અંદાજિત 28.60 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવ્યા પછી, ‘ધુરંધર’ એ શનિવારે પોતાની કમાણીમાં વધુ વધારો નોંધાવ્યો. ફિલ્મે બીજા દિવસે તમામ ભાષાઓમાં ભારતમાં લગભગ 33.10 કરોડનું નેટ કલેક્શન કર્યું. આ સાથે ફિલ્મે સત્તાવાર રીતે ₹61.70 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
બીજા દિવસે ફિલ્મને મળેલો વધારો
બોક્સ ઓફિસ રિપોર્ટ અને શરૂઆતના ટ્રેન્ડ્સ અનુસાર ફિલ્મની ઓપનિંગ કમાણી આ એક્શન ફિલ્મ માટે ભારે ઉત્સાહ દર્શાવે છે. સારી સમીક્ષાઓ અને જબરદસ્ત વખાણને કારણે શનિવારે થયેલો બિઝનેસ વધુ મજબૂત રહ્યો. દર્શકોના આંકડા મુજબ, સવારના શો 17.26% દર્શકો સાથે સામાન્ય રહ્યા, પરંતુ દિવસ દરમિયાન આ સંખ્યા વધી અને બપોરે 42.65% દર્શક ઉપસ્થિતિ નોંધાઈ. રાત્રિના શોમાં તો આ આંકડો વધીને 63.16% સુધી પહોંચ્યો. કુલ મળીને શનિવારે હિન્દી સિનેમામાં 39.63% દર્શકો હાજર રહ્યા.
‘ધુરંધર’ હવે 100 કરોડના ક્લબમાં પ્રવેશવા તૈયાર થઈ ગઈ છે. 2 દિવસમાં ₹61.70 કરોડ સુધી પહોંચેલી ધુરંધર આજે રવિવારે મોટી કમાણી કરી શકે છે. અનુમાન મુજબ ટૂંક સમયમાં જ ફિલ્મ 100 કરોડના ક્લબમાં પ્રવેશ મેળવી શકે છે. પોતાની હાલની ઝડપ સાથે ‘ધુરંધર’ રણવીર સિંહની ટોચની 10 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સામેલ થવા તૈયાર છે. તેમની 2016ની રોમેન્ટિક ડ્રામા ‘બેફિકરે’, હાલ 60.23 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન સાથે 10મા ક્રમે છે.
