અમદાવાદ : અમદાવાદ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજી મેરએ અચાનક રાજીનામું ધરી દેતાં જસદણના ચૂંટણી જંગ પહેલાં જ ભાજપને મોટો આંચકો લાગ્યો છે. લાલજી મેર કોળી સમાજના આગેવાન હોઇ જસદણની ચૂંટણીમાં કોળી મતોને લઇ ભાજપને નુકસાન સહન કરવુ પડે તેવી દહેશત છે. ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દેનાર લાલજી મેરે બળાપો ઠાલવ્યો હતો કે, ગુજરાતમાં મગફળીકાંડ સર્જાયો છે. ખેડૂતોની મગફળી વેચાતી નથી તેમજ ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાની નીતિથી ભાજપને નુકસાન થાય છે. તેમણે ભરત પંડયા પર સીધા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભરત પંડ્યાએ ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કાર્ય કર્યું હતું. ભરત પંડ્યા શું કરે છે તે બધાં જાણે છે.
ભાજપની નીતિથી નારાજ થઈને રાજીનામું આપ્યું છે તેવો તેમણે ખુલાસો કર્યો હતો. ભરત પંડ્યાએ તેમને હરાવવાનો પ્રયાસ કર્યો હતો તેવો પણ આરોપ તેમણે મુક્યો હતો. જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. લાલજી મેર કોળી સમાજના આગેવાન છે તેથી તેમના જવાથી ભાજપને ફટકો પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. ખાસ કરીને જસદણની પેટા ચૂંટણીમાં કોળી મતોનું મોટુ મહત્વ હોવાથી ત્યાંની ચૂંટણીમાં પણ મેરના રાજીનામાને લઇ કોળી સમાજના મતોને લઇ ભાજપને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. બીજીબાજુ, લાલજી મેર કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા પણ ચર્ચાઈ રહી છે. લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ૨૦૧૨માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા અને ૨૦૧૭ સુધી ધંધુકાના ધારાસભ્ય રહ્યા હતા. લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે. તેઓ ગત વિધાનસભામાં પણ ઉમેદવારના દાવેદાર હતા પણ તેમને ટિકિટ મળી ન હતી.