મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. મહારાષ્ટ્રમાં જારી રાજકીય ખેંચતાણ વચ્ચે આજે સવારે એકાએક મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે સતત બીજી વખત દેવેન્દ્ર ફડનવીસે શપથ લીધા હતા. આના કારણે તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. બીજી બાજુ એનસીપીના નેતા અજિત પવારે નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લીધા હતા. રાતોરાત બાજી પલટાઇ ગઇ હતી. સવારે આઠ વાગ્યાની આસપાસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ફડનવીસ અને અજિત પવારને ક્રમશ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા હતા. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ ઘટનાક્રમની બાબતોનો અંત આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને શિવ સેના દ્વારા સરકાર બનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હતા. ગઇકાલ સાંજ સુધી એમ લાગી રહ્યુ હતુ કે શિવ સેના અને કોંગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવી લેશે પરંતુ આ બાબત આજે એકાએક બદલાઇ ગઇ હતી.
મુંબઈના નહેરુ સેન્ટરમાં ત્રણેય પાર્ટીઓના નેતાઓની બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી જેમાં મુખ્યમંત્રી પદને લઇને મોટાભાગે સહમતિ થઇ ગઈ હતી. બેઠક બાદ બહાર આવીને એનસીપીના વડા શરદ પવારે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તેમને લઇને કોઇ બે મત નથી. ઉદ્ધવ ઠાકરેની લીડરશીપ ઉપર ત્રણેય પાર્ટીઓ સહમત છે. આ ઉપરાંત અન્ય મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે.
ગઇકાલે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓએ સીએમપી અને સરકારમાં પાર્ટીઓની ભૂમિકા પર શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. મહામંથનમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની બેઠકમાં નવી સરકાર બનાવવાને લઇને ચર્ચા થઇ હતી. બીજી બાજુ બેઠક બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પ્રથમ વખત ત્રણેય પાર્ટીઓના નેતા એકત્રિત થયા છે. અમે ઇચ્છીએ છીએ કે, સરકાર બનતા પહેલા કોઇ એવો મામલો ન રહે જેને લઇને વિવાદો ઉભા થાય. રચનાત્મક ચર્ચા થઇ છે. તમામ મુદ્દાઓ ઉપર વાતચીત થઇ છે.
બેઠકમાં એકનાથ શિંદે, સુભાષ દેસાઈ, સંજય રાવત જેવા શિવસેનાના નેતાઓ, અહેમદ પટેલ, મલ્લિકાર્જુન ખારગે, કેસી વેણુગોપાલ, પૃથ્વીરાજ ચૌહાણ જેવા કોંગ્રેસી નેતાઓ એકત્રિત થયા હતા. એનસીપી તરફથી પ્રફુલ પટેલ, જયંત પાટિલ અને અજીત પવાર સામેલ થયા હતા. રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામ ૨૪મી ઓક્ટોબરે આવી ગયા હતા પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો જેથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું.