ગાંધીનગર લોકસભા વિસ્તારમાં છેલ્લા છ વર્ષમાં રૂ. 25,000 કરોડના વિકાસકાર્યો હાથ ધરાયા: અમિત શાહ

Rudra
By Rudra 7 Min Read

કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજે ગાંધીનગર મહાનગરપાલિકા, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (GUDA) તેમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગરના કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં વિકાસનો યજ્ઞ શરૂ કર્યો હતો. ગુજરાતનાં આ વિકાસ યજ્ઞની તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસ કામો કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રીએ વિકાસની સાથે ભારતને તમામ ક્ષેત્રે સુરક્ષિત બનાવવાનું કામ પણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ ભારતનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત અને અભેદ રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગરમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુ સાથે છેલ્લા ૬ વર્ષમાં અંદાજે રૂ. ૨૫,૦૦૦ કરોડના અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. માત્ર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જ રૂ. ૪,૨૬૦ કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં જ્યારે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા પાકિસ્તાન પ્રેરિત અનેક આતંકવાદી હુમલાઓમાં ભારતના જવાનો અને નાગરિકો ભોગ બનતા હતા, પરંતુ તેની સામે કોઈ જવાબ આપવામાં આવતો ન હતો. વર્ષ ૨૦૧૪ બાદ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય સેનાએ ભારતમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત ઉરી, પુલવામા અને પહેલગાવના આતંકવાદી હુમલાનો સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં ઓપરેશના સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લશ્કર એ તોયબા અને જૈશ એ મહોમ્મદ જેવા કુખ્યાત આતંકી સંગઠનોના ૯ જેટલા આતંકવાદી કેમ્પ-વડામથકને ધ્વંસ કરીને નેસ્તનાબૂદ કર્યા હતા. ઓપરેશન સિંદૂરે ભારત જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રે વિશ્લેષણ કરતાં વિશ્વના સુરક્ષા તજજ્ઞનોને પણ અચંબિત કર્યા છે.

શાહે કહ્યું હતું કે, ભારતીય સેના અને વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં ઓપેરેશન સિંદુર હેઠળ પ્રથમ વાર પાકિસ્તાનની અંદર ૧૦૦ કિલોમીટર સુધી એર સ્ટ્રાઈક કરીને બહાવલપૂર અને સિયાલ કોટ જેવા ૯ કેમ્પને તેમજ ૧૫ જેટલા એર બેઝને નેસ્ત નાબૂદ કરીને ભારતે વિશ્વને પોતાની સૈન્ય ક્ષમતાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. વડાપ્રધાનએ બિહારની સભામાં જનતાને આપેલું વચન ઓપરેશન સિંદૂર થકી પૂર્ણ કર્યું છે. આ હુમલામાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દીધા છે. પાકિસ્તાન દ્વારા ભારત પર કરાયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પડ્યો હતો. ભારતના અદ્યતન એર ડિફેન્સ સામે પાકિસ્તાનનું ટકવું શક્ય નથી.

તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યારે પણ વિશ્વમાં મિલીટરી ઓપેરેશનોને યાદ કરવામાં આવશે ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય નારીના સન્માનમાં અપાયેલ નામ ‘ઓપેરેશન સિંદૂર’ની સફળતાની ચર્ચાઓ ચોક્કસપણે થશે. આતંકવાદીઓ ભારત પર હુમલો કરવાનો દુ:સાહસ કરવાનો પ્રયાસ કરશે, તો ભારત તેનો બમણી તાકાતથી જવાબ આપશે. પાકિસ્તાન દ્વારા પરમાણુ બોમ્બની ધમકીનો ભારતીય વાયુ, જલ અને થલ સેનાએ ઈંટનો જવાબ પત્થરથી આપ્યો છે, તે બદલ હું ગાંધીનગરની જનતાવતી ભારતીય સેના અને વડાપ્રધાનને અભિનંદન આપીને આભાર વ્યક્ત કરું છું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ સમગ્ર ગુજરાત વતી ભારતીય સેનાના વીર જવાનોને તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની આંતરિક સુરક્ષા-સલામતી સહિતની મોટી જવાબદારી નિભાવવા સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે પોતાના સંસદીય મત વિસ્તાર નાગરિકોની સુખાકારીને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. ગાંધીનગર વિસ્તારના દરેક નાગરિક જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવાની તેમની નેમ છે.

વધી રહેલા શહેરીકરણ વચ્ચે પર્યાવરણની જાળવણી સાથે નગરજનોને શહેરોમાં પરિવહન, રોજગાર, આવાસ અને તમામ માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એટલા માટે જ, ગાંધીનગરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને જનસુખાકારીના વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારોને ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૭૭૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી, પરિણામે ગાંધીનગરના નાગરિકોની સુવિધામાં વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનના પરિણામે ગાંધીનગર શહેરમાં આજે NFSU, GNLU, PDEU, NID, IIT અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થઇ છે અને ગાંધીનગર શહેર એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું છે.

વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સંકલ્પોનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ, તેમણે વિકાસની ગતિ-પ્રગતિ સાથે ગુજરાતને વર્ષ ૨૦૪૭માં “પર્યાવરણ પ્રિય ગુજરાત” બનાવવાની હાકલ કરી હતી.

મુખ્યમંત્રીએ પાણી અને પર્યાવરણની જાળવણી માટે કેચ ધ રેઈન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા-સ્વસ્થતા અંગે જાગૃતિ કેળવવા, વોકલ ફોર લોકલથી સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, દેશના પ્રવાસનને વેગ આપવા, ગરીબોને મદદ કરવા જેવા જનહિતના સંકલ્પોને ખરા અર્થમાં સાકાર કરવાની દિશામાં સૌને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે કાર્યક્રમના પ્રારંભે સૌનું શાબ્દિક કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગાંધીનગરના બગીચા, રોડ રસ્તા, આરોગ્ય કેન્દ્ર, તળાવ, શાળા, પમ્પિંગ સ્ટેશન, યોગ સ્ટૂડિયો જેવા અનેક વિકાસ કાર્યોની હારમાળા પણ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં સફળતા મળી છે.

ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ દેશના વીર જવાનોને અભિનંદન આપી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વાવોલ તથા પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ થતાં વાવોલ અને પેથાપુર આસપાસના અંદાજે ૯થી વધુ ગામના નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ થશે.

કેન્દ્રીય ગૃહના હસ્તે કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત ગાંધીનગર પોસ્ટ ડિવિઝન હેઠળ ભારતીય પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કોલવડા ખાતે ઉમટેલી જનમેદનીએ ભારત માતાના જયઘોષ અને ત્રિરંગા સાથે સર્વે મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article