વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર કેન્દ્રમાં સતત બીજી અવધિ માટે પહેલા કરતા પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ કેટલીક નવી અને મોટી જવાબદારી પણ આવી ગઇ છે. કારણ કે બેરોજગારી એક મોટી સમસ્યા હોવા છતાં લોકોએ મોટા પાયે મોદીને સાથ આપીને તેમનામાં વિશ્વાસ મુક્યો હતો. ખાસ કરીને યુવા પેઢીએ મોદીમાં વિશ્વાસ મુક્યો હતો. આવી સ્થિતીમાં એક પછી એક કઠોર નિર્ણય લેવા માટે જાણીતા રહેલા મોદીએ બેરોજગારીની સમસ્યાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે હાથ ધરીને આને દુર કરવાની દિશામાં પહેલ કરવી જોઇએ. શક્ય હોય તો નવા નિયમો અને નિતી પણ બનાવવી જોઇએ. બેરોજગારીને દુર કર્યા બાદ યુવાનોની તકલીફ ઓછી થશે નહીં. બેરોજગારીની તકલીફના કારણે વડાપ્રધાન મોદીની સામે પણ સમસ્યા આવી શકે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સારી રીતે જાણે છે કે બેરોજગારી દેશની સમસ્યા છે જેથી તેઓ આ મુદ્દાને દરેક મંચ પર ઉઠાવી રહ્યા છે. ભારત અને ચીનમાં રોજગારીની સ્થિતીની વાત કરી રહ્યા છે.
ભાજપના વ્યુહરચનાકારો પણ માને છે કે બેરોજગારી મુદ્દો બનશે અને જો યુવા પેઢીના કેટલાક યુવા નેતા આગળ આવીને આંદોલન કરશે તો જવાબ આપવામાં મુશ્કેલી નડી શકે છે. નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર પણ તેમના હજુ સુધીના ગાળામા લોકોને પુરતા પ્રમાણમાં રોજગારી આપી શકી નથી. આ મુદ્દે રાહુલ ગાંધીએ વારંવાર ભાજપ અને મોદી પર પ્રહારો કરીને તેમની સમસ્યાને વધારી છે. આજે રોજગારીની તમામ મોટા મોટા દાવા છતાં દેશમાં બેરોજગારીનો આંકડો રોકેટ ગતિથી વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાનના નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં ભારતમાં આશરે એક કરોડ ૮૦ લાખ બેરોજગાર હતા. ફેબ્રુઆરીના દિવસે પ્રકાશિત કરવામાં આવેલા સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમાં બેરોજગારી ૭.૧ ટકા સુધી પહોંચી ગઇ છે. આર્થિક આંકડાને ટ્રેક કરનાર થિંક ટેન્કના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષના ગાળામાં આશરે ૩૧ મિલિયન લોકો બેરોજગારીનો શિકાર થઇ ચુક્યા છે. આ તમામ આંકડાની સામે કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા કેપેન નબળા સાબિત થઇ રહ્યા છે.
આ તમામ પ્રશ્નોનો જવાબ આપવામાં સરકાર આજે નિષ્ફળ સાબિત થઇ રહી છે. આની સાથે સાથે માહોલને સમજી લેવાના બદલે સરકારના લોકો વારંવાર આ બાબતને રદિયો આપી રહ્યા છે. સરકારી લોકોનો દાવો છે કે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રોજગારીના દરમાં વધારો થયો છે.સરકારના દાવા .ોગ્ય હોઇ શકે છે પરંતુ જે ગતિથી બેરોજગાર વધી રહ્યા છે તે ચિંતા ઉપજાવે છે. ખાસ કરીને શિક્ષિત બેરોજગાર વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી પણ થોડાક દિવસ પહેલા કહી ચુક્યા છે કે નોકરી વગર દેશની પ્રગતિ શક્ય દેખાતી નથી. જા કે રોજગારીની તક ઉભી કરવા માટે સતત ખોટી અને ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે રોજગારના આંકડાના સંબંધમાં વર્તમાન સરકાર વારંવાર કહેતી રહી છે કે જે રીતે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે દ્વારા રોજગારના આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યા છે તે રોજગારીના વાસ્તિક ચિત્રને રજૂ કરતા નથી.
આના માટે સરકારે એક કમિટીની રચના પણ કરી છે. તેના હેવાલ આવી ગયા બાદ પણ આજે પણ દેશની સામે ૨૦૧૧-૧૨ બાદ કોઇ વિશ્વસનીય રોજગારીના આંકડા આવ્યા નથી. છેલ્લા વર્ષોમાં જ્યારે પણ કોઇ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા રોજગારને લઇને આંકડા જારી કરવામાં આવે છે ત્યારે સરકાર તેને રદિયો આપી દે છે. આજે દેશના જુદા જુદા ભાગોમાં રોજગારી માટે યુવાનો વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે. આ બાબત દેશમાં વધતી જતી બેરોજગારીની બાબતને કજૂ કરે છે. બેરોજગારીની વધતી સમસ્યાને હળવી કરવાની બાબત મોદી સામે મોટી સમસ્યા અને પડકાર તરીકે છે.