પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલો જ્વેલર નીરવ મોદી હજુ પણ ભારતીય પાસપોર્ટ પર બિંદાસ ફરી રહ્યો છે. એક સમયે એવું મનાતું હતું કે, નીરવ મોદી ન્યૂયોર્કમાં છે, પરંતુ એ પહેલાં તે ભારત સરકારે રદ્ કરેલા પાસપોર્ટના આધારે અનેક દેશોમાં ફરી ચૂક્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, કોઇ પણ દેશ રદ્ થયેલો ભારતીય પાસપોર્ટ સ્વીકારી શકે છે. નીરવ મોદી વિરુદ્ધ તૈયાર કરાયેલા ડોઝિયરમાં ખુલાસો કરાયો છે કે, નીરવ મોદી અત્યારે ન્યૂયોર્કની લુઇ રેજન્સી હોટેલમાં છે. તેનું છેલ્લું લોકેશન ટાઇમ્સ સ્ક્વેર અને બ્રોડ સ્ટ્રીટ આસપાસ દેખાયું હતું. ભારતીય તપાસ એજન્સીઓના ડરના કારણે નીરવ મોદી પશ્ચિમ-પૂર્વ એશિયા, યુરોપ અને અમેરિકાના અનેક શહેરોમાં ચાર મહિનાથી ફરી રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, પહેલી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ નીરવ મોદી મુંબઇથી સીધો યુએઇ ગયો હતો. જોકે, એજન્સીઓની આક્રમક તપાસના કારણે તે યુએઇમાં વધુ સમય રોકાઇ શક્યો નહીં અને બીજી ફેબ્રુઆરીએ હોંગકોંગ જતો રહ્યો.
નીરવ મોદી વિચારતો હતો કે, હોંગકોંગમાં તે સુરક્ષિત છે અને ત્યાં તે લાંબો સમય સુધી રહી શકશે, પરંતુ ભારતીય તપાસ એજન્સીઓના હાથ ત્યાં પહોંચતા ૧૪મી ફેબુ્રઆરીએ તે લંડન ભાગી ગયો. હવે તે યુએઇ, હોંગકોંગથી લઇને ન્યૂયોર્ક ભાગી ગયો છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યાનુસાર, નીરવ મોદી નીરવ મોદી એક મહિનો લંડનમાં રહ્યો હતો અને માર્ચના ત્રીજા અઠવાડિયે લંડનથી ન્યૂયોર્ક પહોંચી ગયો હતો.