અમદાવાદ : રોગચાળાને કાબુમાં લેવા માટે તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંની અસર ચોક્કસપણે થઈ રહી છે પરંતુ કેસો હજુ પણ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોને રોકવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં વચ્ચે કેસો નોંધાયા છે. નવેમ્બર મહિનાની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના ૩૦ દિવસના ગાળામાં જ ૪૦૮ કેસ સપાટી ઉપર આવ્યા છે. જ્યારે નવેમ્બર ૨૦૧૭માં ઝાડા-ઉલ્ટીના ૪૬૨ કેસ સપાટી ઉપર આવ્યા હતા. નવેમ્બર-૨૦૧૭માં કમળના ૨૪૯ જ્યારે નવેમ્બર ૨૦૧૮ના કમળાના ૨૦૩ કેસ નોંધાયા છે.
નવેમ્બર ૨૦૧૮માં સૈજપુર અને વટવા વોર્ડમાં કોલેરાના કેસ સપાટી ઉપર આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સાવચેતીના પગલા પણ લેવામાં આવ્યા છે. જ્યારે મચ્છરજન્ય રોગોમાં સાદા મેલેરિયાના કેસોમાં ઉલ્લેખનિય ઘટાડો થયો છે. નવેમ્બર મહિનામાં ૧૫૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના ૨૦૧ કેસ નોંધાયા છે.
નવેમ્બર ૨૦૧૭ની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર ૨૦૧૮માં ડેન્ગ્યુના કેસો વધ્યા છે. ડેન્ગ્યુના નવેમ્બર ૨૦૧૭માં ૧૬૯ કેસોની સામે નવેમ્બર ૨૦૧૮માં ડેન્ગ્યુના ૨૦૧ કેસ સપાટી ઉપર આવ્યા છે. ચિકનગુનિયાના કેસો પણ વધ્યા છે. ૨૦૧૮માં નવેમ્બર સુધીમાં ૭૮૬૦૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. ૨૦૧૮ સુધીમાં ૩૦૫૭ સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા પણ જુદા જુદા વિસ્તારોમાં કાર્યવાહી કરીને ૧૭૪૯ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. સાથે સાથે ૫૪૯૫ કિલોગ્રામ બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યા છે.