અમદાવાદ :અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો આતંક જારી રહ્યો છે. મોનસૂનની સિઝન પૂર્ણ થયા બાદ હાલમાં ઈન્ફેકશનના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મોટાભાગના લોકો હાલમાં તાવ, શરદી-ખાંસીના સકંજામાં આવી રહ્યા છે. સાદા મેલેરિયાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો ઓકટોબર ૨૦૧૭માં કુલ ૮૪૧ કેસો સાદા મેલેરિયાના નોંધાયા હતા. જેની સામે વર્તમાન વર્ષમાં માત્ર છ દિવસના ગાળામાં જ સાદા મેલેરિયાના ૧૧૨ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે ઝેરી મેલેરિયાના ૧૭ અને ડેન્ગ્યુના ૪૦ કેસો સપાટી પર આવ્યા છે.
ઓકટોબર ૨૦૧૭ દરમિયાન ૧૦૨૯૫૪ લોહીના નમૂનાની સામે છઠ્ઠી ઓકટોબર સુધીમાં ૨૫૬૮૬ લોહીના નમૂના લેવામાં આવી ચુક્યા છે. ઓકટોબર ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૪૧૫૫ સીરમ સેમ્પલોની સામે છઠ્ઠી ઓકટોબર ૨૦૧૮ સુધીમાં ૭૭૮ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીજન્ય રોગની વાત કરવામાં આવે તો ઝાડા-ઉલ્ટીના પણ ૬૭ કેસ નોંધાઈ ચુક્યા છે. કમળા, ટાઈફોઈડ અને અન્ય સંબંધિત ઈન્ફેકશનના કેસોમાં હાલમાં વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાને રોકવા માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે.
જેના પરિણામ સ્વરૂપે પાણીનો મુખ્ય †ોત અને ઘરોમાંથી ચાલુ માસ દરમિયાન ૪૭૭૩ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાઈરીસ્ક વિસ્તારો તથા કેસ નોંધાયેલા હોય તેવા વિસ્તારોમાંથી ચાલુ માસમાં ૩૭૮ જેટલા પાણીના સેમ્પલ બેક્ટોરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૧૦૯૬૧૦ ક્લોરિન ગોળીઓનું વિતરણ કરવામાં આવી ચુક્યું છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં હજુ સુધી ૬૨ જુદા જુદા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે જે હેઠળ ૨૧૭૫ કિલોગ્રામ અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યા છે. હેલ્થ ફ્લાઈંગ સ્કવોડ વિભાગ દ્વારા છઠ્ઠી ઓકટોબર ૨૦૧૮ સુધીમાં ૬૨ જુદા જુદા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે. આ તમામની તપાસ હજુ બાકી છે.