સરખેજ, સાણંદ સર્કલ પાસે ગેરકાયદે દબાણ દૂર કરાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દક્ષિણ-પશ્ચિમ ઝોનનાં એસ્ટેટ વિભાગનાં સત્તાવાળાઓ દ્વારા કાલે સવારથી સ્થાનિક પોલીસતંત્રની મદદ લઇને સરખેજ-સાણંદ સર્કલ પાસેના ટીપી રોડ પરના ગેરકાયદે દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. અમ્યુકો તંત્રની અનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં ખાસ કરીને વેપારીઓ અને દુકાનદારોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે સવારથી ટીપી રોડ પરના દબાણને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે સરખેજ-સાણંદ સર્કલ વિસ્તારમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું હતું. જે અંતર્ગત ઇન્કા ચેમ્બર્સ અને હોટલ સાવન રેસિડન્સી સહિતના સ્થળો પર તંત્ર ત્રાટક્યું હતું.

કાલે સવારથી સ્થાનિક પોલીસ તંત્રના કડક બંદોબસ્ત હેઠળ જેસીબી મશીનની મદદથી ગેરકાયદે દબાણને ધરાશાયી કરાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ અંગે દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર ચૈતન્ય શાહનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સરખેજ વોર્ડનાં સાણંદ સર્કલ પાસે સવારથી ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. દરમ્યાન આ સમગ્ર કાર્યવાહીમાં કોઇ પણ અજુગતો બનાવ બન્યો નથી. પોલીસ બંદોબસ્તની મદદથી શાંતિપૂર્ણ રીતે રસ્તામાં અંતરાયરૂપ દબાણો અને અનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. બીજીબાજુ, અમ્યુકો તંત્રની આજની કામગીરીને પગલે સ્થાનિક નાગરિકોમાં ખાસ કરીને સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સરખેજ-સાણંદ વિસ્તારમાં ગેરકાયદે દબાણો પર અમ્યુકો તંત્ર દ્વારા ત્રાટકવાનો મુદ્દો ચર્ચાની એરણે રહ્યો હતો.

Share This Article