મૂવી ટિકિટો ઉપર જીએસટી ઘટતા ફિલ્મ ઉદ્યોગમાં ખુશી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  જીએસટી કાઉન્સિલની શનિવારે યોજાયેલી બેઠકમાં ૨૩ વસ્તુઓ અને સેવાઓ પર જીએસટી દરને ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમાં મૂવી ટિકિટ પણ સામેલ છે. બોલિવુડમાં આને લઈને ખુશીનું મોજુ ફરી વળ્યું છે. મૂવી ટિકિટ પર જીએસટી ઘટતા અજય દેવગણ અને અક્ષય કુમારે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. એવી ટિકિટ જેની કિંમત ૧૦૦ રૂપિયા હતી તેના ઉપર જીએસટી દર ઘટાડીને ૧૨ ટકા કરાયો છે. પહેલા ૧૮ ટકા હતો. આવી જ રીતે એવી ટિકિટ જેના ઉપર કિંમત ૧૦૦ રૂપિયાથી ઓછી હતી તેના ઉપર પણ દર ઘટાડવામાં આવ્યા છે.

ટિકિટના જીએસટી દરમાં ઘટાડાના નિર્ણયનું બોલિવુડમાં સ્વાગત કરવામાં આવ્યું છે. અજય દેવગણ અને અક્ષય કુમારે ટ્‌વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. અજય દેવગણે ટ્‌વીટ કરીને કહ્યું છે કે મોદીના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અવાજ આખરે સાંભળવામાં આવ્યો છે અને તરત અમલ કરવામાં આવ્યો છે. અભિનેતાએ કહ્યું છે કે મોદીએ ચાહકોના હિતમાં તરત જ નિર્ણય લીધો છે. અક્ષય કુમારે પણ વડાપ્રધાનનો આભાર માન્યો છે અને કહ્યું છે કે મોદી સાથે થોડાક દિવસ પહેલા વાતચીત થઈ હતી અને રજુઆત કરવામાં આવી હતી.

જેના આધાર ઉપર તરત કાર્યવાહી કરાઈ છે. સરકારે અમારી વાત સાંભળી છે. જીએસટી ના દર ઘટાડવામાં આવ્યા બાદ ચાહકો વધુ પ્રમાણમાં ફિલ્મો તરફ વળશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે ઓડિયન્સ પણ આનું સ્વાગત કરે છે. પ્રોડ્યુસર ઓફ ઈન્ડિયન ગિલ્ડના અધ્યક્ષ અને ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે પણ મૂવી ટિકિટ ઉપર જીએસટી ઘટાડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આના માટે સરકારનો આભાર માન્યો છે. સિદ્ધાર્થ રોય કપૂરે કહ્યું છે કે આ પગલાથી સિનેમા અને ચાહકોને સીધો ફાયદો થશે. વધુ સંખ્યામાં લોકો થિયેટરોમાં ફિલ્મ જાવા માટે આગળ આવશે.

Share This Article