નવી દિલ્હી : દિલ્હીમાં યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. જેના પરિણામ સ્વરૂપે સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. પુરનું સંકટ તોળાઈ રહ્યું છે. યમુના નદીમાં પાણીની સપાટી સતત વધતા દિલ્હી સરકાર પણ તૈયારીમાં વ્યસ્ત છે. હરિયાણાના હથીનીકુંડ બેરેજમાંથી છોડવામાં આવેલા પાણીના પરિણામ સ્વરૂપે આજે સવારે જુની દિલ્હી રેલવે બ્રિજ પર યમુનાની પાણીની સપાટી ૨૦૫.૫૦ સુધી પહોંચી ગઈ છે.
આ પહેલા શનિવારે રાત્રે નવ વાગ્યા સુધી યમુનામાં પાણીની સપાટી ૨૦૫.૩ મીટર સુધી હતી. યમુનમાં પાણીની સપાટી હાલમાં ખતરાના નિશાનથી ૪૭ સેન્ટીમીટર ઉપર દેખાઈ રહી છે. બેરેજમાંથી શનિવારના દિવસે પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ આ પાણીનો જથ્થો હવે પહોંચતા સ્થિતિ વિકટ બની ગઈ છે. યમુનાના કિનારે રહેનાર લોકોને આવાસો ખાલી કરવાની ફરજ પડી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તાકીદની બેઠક યોજી છે. કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે લોકોને સાવધાન રહેવાની જરૂર છે. અધિકારીઓ સાથે પણ કેજરીવાલ સતત બેઠક યોજી રહ્યા છે. યમુનામાં વધતી જતી પાણીની સપાટીને ધ્યાનમાં લઈને લોકો પણ પહોંચી રહ્યા છે. દિલ્હીમાં ખરાબ હાલત માટે હરિયાણાના યમુનાનગરને જવાબદાર ગણવામાં આવે છે કારણ કે હથીનીકુંડમાંથી છોડવામાં આવેલ પાણી દિલ્હી યમુનાનગરના રસ્તે પહોંચે છે. બીજી બાજુ દેશના અન્ય ભાગોમાં પણ સ્થિતિ વિકટ બનેલી છે.
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી છે. પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને તેના પડોશી વિસ્તારો પર ઓછા દબાણનું ચિત્ર સર્જાયેલું છે જેને લઈને હાલત કફોડની બનેલી છે. ઉત્તર ભારતથી લઇને પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારમાં ભારે વરસાદ જારી રહ્યો છે. પહાડી વિસ્તારોથી લઇને મેદાની ભાગો સુધી ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૬૦ થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વીય ઉત્તરપ્રદેશમાં હજુ પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ અવિરત વરસાદ થઈ રહ્યો છે. મસુરીમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદના કારણે સરોવર અને નદી નાળાઓ છલકાઇ ગયા છે. રાજ્યના સરહદી જિલ્લા બાડમેરમાં ભારે વરસાદ થયો છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થયો છે. હિમાચલપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. પંજાબ અને હરિયાણામાં પણ સતત વરસાદ થઇ રહ્યો છે. બંગાળમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. બિહાર સહિત દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં મોનસુન જારદાર રીતે સક્રિય હોવાના હેવાલ મળ્યા છે.