નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશમાં હાલમાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો બેહાલ થયેલા છે. લોકસભા ચૂંટણીમાં પણ તેની અસર સીધી રીતે જોવા મળી ચુકી છે. પાંચ તબક્કામાં મતદાન દેશમાં હજુ સુધી થઇ ચુક્યુ છે. દરેક તબક્કાના મતદાન પર ભીષણ ગરમીના અસર જોવા મળી રહી છે. જો કે હવે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મતદાનના દિવસે ભીષણ ગરમી સામાન્ય મતદારોને હેરાન કરશે નહીં. મતદાનના દિવસે દિલ્હીમાં હવામાન મહેરબાન રહેનાર છે. પારો ૪૦ ડિગ્રી કરતા ઓછો રહી શકે છે.
એટલે કે ગરમી તમને મતદાનથી રોકી શકશે નહીં. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં દિલ્હીમાં ભીષણ ગરમી પડી રહી છે. સોમવારના દિવસે પારો ૪૧થી ઉપર રહ્યા બાદ આજે મંગળવારના દિવસે પણ આવી જ સ્થિતી રહી હતી. આગામી બે દિવસ સુધી ગરમી વધવાના સંકેત છે. પારો ૪૩ સુધી જઇ શકે છે. જો કે ત્યારબાદ વાદળો છવાઇ જશે જેથી ગરમીનુ પ્રમાણ ઘટી જશે. ૧૦મી અને ૧૧મી મેના દિવસે દિલ્હીમાં તીવ્ર આંધી ચાલી શકે છે. હળવો વરસાદ પણ થઇ શકે છે. જેથી ૧૨મી મેના દિવસે દિલ્હીમાં મતદાનના દિવસે પારો ગગડીને ૩૯ ડિગ્રી સુધી રહી શકે છે. એટલે સવારે ૧૧ વાગ્યા સુધી માહોલ આદર્શ રહી શકે છે. આ પહેલા પણ ત્રીજી મેના દિવસે દિલ્હીમાં આંધી અને વરસાદના કારણે પારો ગગડી ગયો હતો. હવે નવમી મે સુધી ગરમીથી રાહત મળવાની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. જો કે મતદાનના દિવસે ગરમીનુ પ્રમાણ ઘટી શકે છે.