પાટનગર દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે બનેલી અને સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસની આજે સાતમી વરસી છે. સાતમી વરસીના દિવસે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આજે પણ યોજાઇ રહ્યા છે. નિર્ભયાના અપરાધીને ટુંકમાં ફાંસી આપી દેવામાં આવનાર છે તેવી ચર્ચા ચાલી રહી છે. અપરાધી પાસે હવે વધારે કોઇ વિકલ્પ રહ્યા નથી. દયાની અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ પાસે છે. તેમના ફેંસલા પર તમામની નજર રહેલી છે. અપરાધીઓને ફાંસી આપી દેવાની માગ દિન પ્રતિદિન વધુ મજબુત બની રહી છે. તિહાર જેલમાં ફાંસીની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. નિર્ભયાની માતાનું કહેવું છે કે, અપરાધીઓ આજે પણ જીવિત છે જે કાયદા અને વ્યવસ્થાની એક હાર સમાન છે. યુવતીઓ કોઇપણ નબળી નથી તે અમે કહેવા માંગીએ છીએ.
આ વર્ષે સુપ્રીમ કોર્ટે ત્રણ અપરાધીઓની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી હતી અને ફાંસીની સજા અકબંધ રાખી હતી. આ બનાવની વરસીના દિવસે આ દિલધડક અને કમકમાટીપૂર્ણ ઘટનાની યાદ તાજી થઈ ગઈ છે. તમામ લોકોના દિલોદિમાંગ ઉપર આ કમનસીબ રાત્રીની યાદ જ્યારે પણ વરસી આવશે ત્યારે દર વર્ષે તાજી થશે પરંતુ એ બનાવ બાદ દેશમાં જે સળગતા પ્રશ્નો ઉઠ્યા હતા તે પ્રશ્નોને સંપૂર્ણપણે હજુ સુધી હાથ ધરી શકાયા નથી. આ પ્રશ્નોને તરત હાથ ધરીને મહિલાઓની સુરક્ષાને વધારી દેવામાં આવે તે જરૂરી છે.
૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૂપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી.
નિર્ભયા ગેંગરેપ કેસની સાતમી વરસીના દિવસે આજે તમામ લોકોને એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ બનાવ બાદ અને કાયદાઓ વધુ કઠોર કરવામાં આવ્યા બાદ મામલાઓ અટક્યા છે કે કેમ. આ કેસના મામલામાં બળાત્કારીઓન ફાંસીની સજા ફટકારવામાં આવી હતી પરંતુ હવસખોરોએ હજુ સુધી બોધપાઠ લિધા નથી. પહેલા કરતા ગુનાઓ વધ્યા છે. મહિલાઓ આજે પણ સુરક્ષિત દેખાઈ રહી નથી. બળાત્કારના કેટલાક કેસોમાં સગાસંબંધિઓ પણ નિકળે છે. એમ માનવામાં આવી રહ્યુ છેકે નરાધમોને આ મહિનામાં જ ફાંસી આપવામા આવી શકે છે. જો કે નક્કર વિગત હજુ મળી નથી.