દિલ્હી : મેટ્રો તેમજ બસમાં મહિલાઓ માટે મફત યાત્રા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : દિલ્હીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે. દિલ્હી સરકારે મહિલાઓને મેટ્રો અને ડીટીસી બસમાં ફ્રી મુસાફરી કરવાની ગીફ્‌ટ આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે. જોકે અરવિંદ કેજરીવાલની આ જાહેરાતથી તેમણે દિલ્હીમાં ૬૪ લાખ મહિલા મતદારોને ટાર્ગેટ કર્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં મહિલાઓ અસુરક્ષીત અનુભવી રહી છે. મહિલાઓની સુરક્ષા માટે ૨ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. એક તો સીસીટીવી કેમેરા લગાવવા માટે અઢી વર્ષથી મહેનત કરવામાં આવી રહી છે. દોઢ લાખ સીસીટીવી લગાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. ૭૦ હજાર સીસીટીવીનો સર્વે થઈ ચૂક્યો છે. કેજરીવાલે કહ્યું કે, ૮ જૂનથી કેમેરા લગાવવાની શરૂઆત થઈ જશે અને ડિસેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે.

અરવિંદ કેજરીવાલના જણાવ્યા પ્રમાણે દિલ્હી મેટ્રો અને ડીટીસી બસોમાં મહિલાઓને મુસાફરી માટે કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં. આ યોજનાથી મહિલાઓને સરકારી પરિવહનનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. મહિલાઓને ફ્રી યાત્રા આપવામાં ડીએમઆરસીને થનારા નુકસાનની ભરપાઈ દિલ્હી સરકાર કરશે.

ચૂંટણી પંચના આંકડાના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં કુલ ૧.૪૩ કરોડ મતદારો છે. તેમાંથી ૬૪ લાખ મહિલા મતદારો છે. આમ, દિલ્હીમાં મહિલાઓની વસતી વધારે છે. દિલ્હીમાં હવે વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવિંદ કેજરીવાલે મહિલાઓને ખુશ કરવાનું કામ કર્યું છે. માનવામાં આવે છે કે, ૬૪ લાખ મહિલા વોટર્સને ટાર્ગેટ કરવા જ અરવિંદ કેજરીવાલે મેટ્રો અને ડિટીસીમાં ફ્રી મુસાફરીની યોજના જાહેર કરી છે.

Share This Article