નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મોટી સફળતા હાથ લાગી છે. સ્પેશિયલ સેલે ઐતિહાસિક લાલકિલ્લાની પાસેથી ઇસ્લામિક સ્ટેટના બે ખૂંખાર આતંકવાદીઓને પકડી પાડ્યા છે. આ બંને આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં એકની ઓળખ પરવેઝ તરીકે અને બીજાની ઓળખ જમશેદ તરીકે થઇ છે. આ બંને આતંકવાદીઓને લાલકિલ્લા નજીક જામા મસ્જિદ બસ સ્ટોપથી પકડી પાડ્યા છે.
આ અંગેની માહિતી આજે સ્પેશિયલ સેલના ડીસીપી દ્વારા આપવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ આ બંને ત્રાસવાદી ઇસ્લામિક સ્ટેટ ઇન જમ્મુ કાશ્મીર સાતે જાડાયેલા છે. આ સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સીધીરીતે સંબંધ ધરાવે છે. આ આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટકો મળી આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી બે પિસ્તોલ, ૧૦ કારતુસ, ચાર મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા હથિયારો ઉત્તરપ્રદેશમાંથી ખરીદવામાં આવ્યા હતા અને ત્રાસવાદીઓ દિલ્હીથી કાશ્મીર જઇ રહ્યા હતા. કાશ્મીરના રહેવાશી હોવાનું જાણવા મળ્યું છે.
બંનેની સામે એફઆઈઆર દાખલ કરીને ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્ટેલીજન્સ સંસ્થાઓ દ્વારા બંનેની પુછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદી પરવેઝના ભાઈનું મોત જાન્યુઆરીમાં એન્કાઉન્ટરમાં થયું હતું. પરવેઝ પહેલા હિઝબુલ મુઝાહિદ્દીનમાં સામેલ હતો ત્યારબાદ ઇસ્લામિક સ્ટેટ ઇન જમ્મુ કાશ્મીરમાં સામેલ થયો હતો. બંને ત્રાસવાદીઓ દિલ્હીમાં કોઇ હુમલા કરવાની યોજના ધરાવતા ન હતા. દિલ્હીમાં તેમના પ્લાનના સંદર્ભમાં કોઇ વિગત મળી શકી નથી. પોલીસે કહ્યું છે કે, પ્રથમ લીડર ઉંમર નઝીર છે અને બીજા નંબર પર અદીમ થોકર છે. બંને ત્રાસવાદી અદીલ ઠોકરના આદેશ ઉપર કામ કરી રહ્યા હતા. હાલમાં બંનેને પાંચ દિવસની કસ્ટડીમાં લેવાયા છે.