અમદાવાદ: એક્સિસ બેન્કનું ડેબિટકાર્ડ ધરાવતા ગ્રાહકોનો ડેટા મેળવી તેમનું કાર્ડ જૂનું થઇ ગયું છે ફોટા અને ચિપવાળું નવું કાર્ડ આપવાનું જણાવી તેમની પાસેથી ઓટીપી નંબર મેળવી છેતરપિંડી કરતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે પકડેલી દિલ્હીની ઠગ ગેંગ પાસેથી તપાસ દરમ્યાન પેટીએમ બેંકના ૩૨૮ કાર્ડ જપ્ત કર્યા છે.
વિવિધ બેંકોના ગ્રાહકોને કોલ કરી ઠગવાના આ કૌભાંડમાં યુવતીઓને નોકરીએ રાખવામાં આવે તે પહેલાં તેઓને ગ્રાહ્કો સાથે કેવી રીતે વાત કરવી અને તેમને વિશ્વાસમાં કેવી રીતે લેવા તેની પધ્ધતિસરની તાલીમ અપાતી હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ તપાસમાં થયો છે. શહેર ક્રાઇમ બ્રાંચે હવે આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય સૂત્રધારને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દિલ્હીના એક ફલેટમાં કોલ સેન્ટર ઉભુ કરી આ ગેંગે કોઇ પણ રીતે એક્સિસ બેન્કના ગ્રાહકોનો ડેટા મેળવી તેઓને કોલ કરી છેતરપિંડી આચરતા હતા.
પોલીસે મોબાઇલ ફોન, લેપટોપ અને પેટીએમ બેન્કના ૩ર૮ જેટલા કાર્ડ કબજે કર્યા છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં એક્સિસ બેન્કના ગ્રાહકોને એક્સિસ બેન્કમાંથી બોલું છું તેમ કહી ડેબિટકાર્ડની માહિતી મેળવી તેમના ઓટીપી નંબર જાણી લઇ છેતરપિંડી કરવામાં આવી રહી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો.રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.વી. બારડ અને તેમની ટીમે આવા કોલ કરતા શખસોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આવા છેતરપિંડીના કોલ દિલ્હીથી કરાઇ રહ્યા છે, જેના આધારે પીઆઇ બારડની ટીમ દિલ્હી પહોંચી હતી અને એક ફલેટમાંથી યુવતીઓ સહિત ૧૭ આરોપીઓને ઝડપી લીધા હતા.આ તમામ યુવતીઓ પોતાની ઓળખ છુપાવી એક્સિસ બેન્કમાંથી વાત કરે છે તેમ જણાવી ડેબિટકાર્ડ જૂનું થઇ ગયું છે તો નવું ફોટો અને ચિપવાળું ડેબિટકાર્ડ મેળવવા માટે કાર્ડના આગળના ચાર નંબર પોતે જણાવતા અને પાછળના ચાર નંબર ગ્રાહકોને જણાવવા માટે કહેતા હતા. ગ્રાહક નંબર આપે એટલે તેમના મોબાઇલ ફોનમાં ઓટીપી નંબર આવે તે જાણી લઇ બીજા ફોન દ્વારા ગ્રાહકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. આરોપી યુવતીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, જ્યારે નોકરીએ રાખવામાં આવે તે પહેલા તેઓને ગ્રાહકો સાથે કઇ રીતે વાત કરવી અને તેમને વિશ્વાસમાં કઇ રીતે લેવા તેની ટ્રેનિંગ અપાતી હતી. સાઇબર ક્રાઇમની ટીમે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ અને પેટીએમ બેન્કના ૩ર૮ કાર્ડ કબજે કર્યા હતા. પોલીસે યુવતીઓની વધુ પૂછપરછ શરૂ કરી કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.