ફોરેન એક્ષચેન્જ રેગ્યુલેશન એક્ટનો ભંગ કરવા બદલ માલ્યાની સંપત્તિ જપ્ત કરી લેવા દિલ્હી કોર્ટનો હુકમ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મની લોન્ડરિંગ કેસમાં જારી કરાયેલા સમન્સની વારંવાર અવગણના કરવા બદલ ભાગેડું જાહેર કરાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાની મિલક્તો ટાંચમાં લેવા દિલ્હીની કોર્ટે આદેશ આપ્યો છે.

ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિપક શેરાવતે બેંગાલુરુના પોલીસ કમિશનરને સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે અને આ સંદર્ભમાં ૮ મે સુધી અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટમાં માલ્યાની મિલકતો ટાંચમાં લેવા ઇડીએ કરેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી.

ફેરા(ફોરેન એક્ષચેન્જ રેગ્યુલેશન એક્ટ)નો ભંગ કરવા બદલ વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં માલ્યા હાજર ન થતાં કોર્ટે ૪ જાન્યુઆરીના રોજ તેમને ભાગેડું જાહેર કર્યા હતાં. કોર્ટે ગયા વર્ષે ૧૨ એપ્રિલના રોજ માલ્યા વિરુદ્ધ ઓપન એન્ડેડ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યો હતો. ઓપન એન્ડેડ બિનજામીનપાત્ર વોરન્ટના અમલ માટે કોઇ સમય મર્યાદા હોતી નથી. ૪ નવેમ્બર, ૨૦૧૬ના રોજ માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કરતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે માલ્યા ભારત પરત ફરવાનો ઇરાદો ધરાવતા નથી. કોર્ટે પાસપોર્ટ રદ થઇ ગયો હોવાથી ભારત પરત આવી શકતો નથી તેવી માલ્યાની દલીલને નિરર્થક ગણાવી હતી.

Share This Article