નવી દિલ્હી : રાજનીતિમાં જારદાર લડત વારંવાર જોવા મળે છે. ગઇકાલ સુધી મોદી સરકારના સાથી રહી ચુકેલા ચંદ્રબાબુ નાયડુ હવે ભાજપ સરકારની સામે જ મોરચો માંડી રહ્યા છે. નાયડુએ માત્ર ભાજપની સામે વિપક્ષને સંગઠિત કરવાના પ્રયાસ જ કરી રહ્યા નથી બલ્કે મોદી શાસનને ઉથલાવી દેવા માટે તમામ વિરોધીઓને એકમંચ ઉપર આવવા પ્રયાસ કરી રહ્યા છે. નાયડુએ દિલ્હીમાં એક પછી એક બેઠકો યોજી હતી.
આજે સવારે જ્યારે ઉત્તરભારતની રાજનીતિ, રાજનેતા અને પ્રજા ફુલગુલાબી ઠંડીમાં ઉંઘી રહ્યા હતા ત્યારે દક્ષિણ ભારતની રાજનીતિના કેટલાક ટવિટ નવા આવ્યા હતા જેના લીધે રાજકીય પારો ફરી એકવાર ઉપર ગયો છે. નાયડુએ વિપક્ષના શÂક્તશાળી નેતાઓની સાથે પોતાની મુલાકાતના ફોટા ટવિટ કર્યા છે સાથે સાથે મોદી સરકાર ઉપર પ્રહાર પણ કર્યા છે. નાયડુની કવાયતને વિપક્ષી એકતાના પ્રયાસ તરીકે પણ જાવામાં આવે છે. વર્ષ ૨૦૧૯માં તમામ વિરોધીઓ એક મંચ ઉપર આવવાની તૈયારી કરી રહ્યા છે. નાયડુ દિલ્હી પહોંચ્યા બાદ આજે સવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ ઉપર ટવિટ કરીને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.
નાયડુએ મોદી સરકારની બે વર્ષ જુની નોટબંધીની કવાયતને પોતાના પ્રહાર માટે લોંચિંગ પેડ બનાવીને ટવિટમાં લખ્યું હતું કે, દેશના દરેક લોકો નોટબંધીથી હેરાન થયા હતા. જીએસટીએ આ કટોકટીમાં વધારો કર્યો હતો. નાયડુએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, ચાર વર્ષના ગાળા દરમિયાન કાળા નાણાની સામે લડાઈ માટે એક પણ ઇમાનદાર પ્રયાસો થયા નથી. નોટબંધીના લીધે દેશની વિકાસની ગતિ રોકાઈ ગઈ હતી. મૂડીરોકાણકારોનો આત્મવિશ્વાસ ખતમ થઇ રહ્યો છે. સિરિઝમાં કરવામાં આવેલી ટિપ્પણીમાં મોદી સરકારને અનેક મોરચા ઉપર ઘેરવાના પ્રયાસ કર્યા હતા.
નાયડુએ પોતાના ટવિટમાં કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં થયેલા ફ્રોડ ભાજપ સરકારની સિદ્ધિઓ ઉપર ભારે પડે છે. વિજય માલ્યા ૯૦૦૦ કરોડ, નિરવ મોદીના ૧૧૫૦૦ કરોડ, જતિન મહેતાના ૭૦૦૦ કરોડ અને નીતિન સંદેસારાના ૫૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડોના આરોપનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, લોકોના જંગી નાણાં લઇને આ તમામ લોકો સરળતાથી ફરાર થઇ ગયા હતા. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ મોદી સરકાર પર ખેડૂતોની લોન કટોકટી ઉપર ધ્યાન નહીં આપવાનો પણ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના મામલા, મહિલાઓ ઉપર હુમલા, સાંપ્રદાયિક હિંસામાં વધારો થયો છે. વિપક્ષી નેતાઓને એકતા જાળવી રાખવાની અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, દેશને અરાજકતાની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે તમામને એક સાથે આવવાની જરૂર છે.