અમદાવાદ : અયોધ્યામાં શ્રીરામ મંદિર પહેલા જ બની જવુ જોઇતું હતું. અયોધ્યામાં રામમંદિરને લઇ જનતાની ધીરજ હવે ખૂટી ગઇ છે અને જેટલો વિલંબ થશે તેટલો વિલંબ સરકાર માટે મુશ્કેલી સર્જી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, અયોધ્યામાં રામમંદિર નિર્માણમાં વિલંબ એ સરકાર માટે ઘાતક પુરવાર થઇ શકે છે. અયોધ્યામાં રામમંદિર હતુ, છે અને રહેશે. સરકારે રામમંદિર નિર્માણની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી જોઇએ એ મતલબની સ્પષ્ટ વાત આજે શ્રી કૃષ્ણકાલી પીઠાધિશ્વર ડો.કેશવાચાર્યજી મહારાજે ઉચ્ચારી હતી.
શહેરના શીલજ વિસ્તારમાં કનકધારા બંગલોઝ ખાતે પ્રફુલભાઇ અગ્રવાલ અને નીતિશભાઇ અગ્રવાલ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા માટે શ્રી કૃષ્ણકાલી પીઠાધિશ્વર ડો.કેશવાચાર્યજી મહારાજે ખાસ પધરામણી કરી ત્યારે અયોધ્યામાં રામમંદિરને લઇ પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો હતો. શ્રી કૃષ્ણકાલી પીઠાધિશ્વર ડો.કેશવાચાર્યજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન શ્રીરામ માત્ર ભગવાન જ નથી પરંતુ તેઓ એક મહાન આદર્શ, માનવજાતિ માટેના પ્રેરણાસ્ત્રોત અને રાજધર્મની સ્થાપનાનું ઉત્તમ ઉદાહરણ હતા. તેઓ મર્યાદા પુરૂષોત્તમ હતા અને ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ હતા, તેથી ભગવાન શ્રીરામે જે કર્યું, તેનો જીવનમાં અમલ કરવો જાઇએ અને ભગવાન શ્રીકૃષ્ણએ જે કહ્યું તેનો અમલ કરવો જોઇએ.
આજના યુવાનોને ખાસ સંદેશો આપતાં ડો.કેશવાચાર્યજી મહારાજે જણાવ્યું કે, આજની યુવાપેઢી સામે આપણા સંસ્કારો અને સંસ્કૃતિના જતનનો મોટો પડકાર છે અને શ્રીમદ્ ભાગવત સંસ્કારનો પ્રેરણાસ્ત્રોત છે. યુવાપેઢીએ સંસ્કાર અને સંસ્કૃતિ પરત્વે જાગૃત થઇ તેના જતન માટે પ્રયત્નશીલ રહેવું જાઇએ, તો ભારત વિશ્વગરૂ તરીકે દુનિયાભરમાં પ્રસ્થાપિત થઇ શકશે. શીલજના કનકધારા બંગલોઝ ખાતે તા.૧૬થી ૨૨ ડિસેમ્બર દરમ્યાન આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના ભાગરૂપે આજે શ્રી કૃષ્ણકાલી પીઠાધિશ્વર ડો.કેશવાચાર્યજી મહારાજની નિશ્રામાં ભવ્ય પોથીયાત્રા, ૫૦થી વધુ મહિલાઓની સુંદર કળશયાત્રા, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રીમદ્ ભાગવત કથાના આયોજક પ્રફુલભાઇ અગ્રવાલ અને નીતિશભાઇ અગ્રવાલે જણાવ્યું હતું કે, આજથી શ્રીમદ્ ભાગવત કથાનો શ્રી કૃષ્ણકાલી પીઠાધિશ્વર ડો.કેશવાચાર્યજી મહારાજ(ગુરુજી)ના શ્રીમુખે પ્રારંભ થયો છે.
કથાના સાત દિવસ દરમ્યાન ભગવાનના વારાહ અવતાર, કર્ધમ ચરિત્ર, સતી પ્રસંગ, જડ ભરત ઉપખ્યાન, નરસિંહ અવતાર, રામજન્મ તેમ જ વિવાહ, કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, બાળ લીલા, ગોવર્ધન પૂજા, છપ્પન ભોગ, ડાંડિયા રાસ, કંસ વધ, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર સહિતના અનેક પ્રસંગોની ભવ્ય ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. તેમણે આજે ગરૂપૂજન, શ્રધ્ધાળુ ભકતોના સ્વાગત અને મહાપ્રસાદની વિધિ પણ ભારે ધાર્મિક આસ્થા અને ભકિતભાવ સાથે સંપન્ન કરી હતી.