સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક : ચીની હેકર્સનું કૃત્ય હોવાની આશંકા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગઈ કાલે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ ગઈ હતી. વેબસાઈટમાં ચાઈનીઝ લખાણ જોવા મળ્યું હતું એટલે ચીનના હેકર્સનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વેબસાઈટ ઉપર ચાઈનીઝ ભાષામાં લખાણ જોવા મળ્યું હતું. વેબસાઈટને ફરીથી ચાલુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને હેકર્સનું પગેરુ શોધવાની કોશિશ પણ શરુ કરાઈ હતી.

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે વેબસાઈટમા ‘પ્લીઝ ટ્રાય અગેઈન લેટર’ની એરર આવે છે અને વેબસાઈટની વિગતો રિસ્ટોર કરવામાં આવી રહી છે. બીજા એક અધિકારીએ પણ કહ્યું હતું કે આ ચીનના હેકર્સનું જ કૃત્ય છે.

બીજું બાજુ નેશનલ સાયબર સિક્યુરિટી ચીફે ખુલાસો કર્યો હતો કે વેબસાઈટ હેક થઈ નથી. નેશનલ સાયબર સિક્યુરિટી કોર્ડિનેટર ગુલશન રાયે જણાવ્યું હતું કે સરકારી વેબસાઈટ હેક થઈ નથી. સ્ટોરેજ એરિયામાં નેટવર્કિંગ સિસ્ટમમાં કંઈક ગરબડ સર્જાઈ હોવાથી એરર આવતી હતી. વેબસાઈટ હેક થયાની જાહેરાત પછી સરકારના અધિકારીઓએ ફેરવી તોળતું નિવેદન આપીને કહ્યું હતું કે હાર્ડવેર પ્રોબ્લેમના કારણે આવું થયું છે.

સાઈબર સુરક્ષા નિષ્ણાતે કહ્યું હતું કે હાર્ડવેર રિપ્લેસ કરવાની પ્રક્રિયા પૂરી થશે એટલે વેબસાઈટ ફરીથી ચાલુ થઈ જશે. ગૃહ મંત્રાલયની વેબસાઈટ પણ સ્લો થઈ સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટની સાથે સાથે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પણ સ્લો થઈ હતી. આ વેબસાઈટ નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર દ્વારા હોસ્ટ થાય છે. નેશનલ ઈન્ફર્મેશન સેન્ટરના પ્રવક્તાએ કહ્યું હતું કે સુરક્ષાના કારણોથી વેબસાઈટને સ્લો કરવામાં આવી છે. નવી સુરક્ષા સિસ્ટમ અપડેટ કરવામાં આવતી હોવાથી ગૃહ મંત્રાલયની વેબસાઈટ સુરક્ષાના કારણોથી ડાઉન કરવામાં આવી છે.

Share This Article