આ યોજનામાં હાલમાં માત્ર હોસ્પિટલમાં ભરતી થઇ રહેલા લોકોને જ સુરક્ષા આપવામાં આવી રહી છે. જ્યારે કેટલીક બિમારીઓ તો એવી છે જેના કારણે રોગીને હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર પડતી નથી. પરંતુ સારવાર ખુબ મોંઘી હોય છે. આયુષ્માન યોજનામાં બાહરના રોગી અથવા તો ઓપીડી રોગીને પણ સહાયતા મળે તે ખુબ જરૂરી છે. સરકારને તબીબી ક્ષેત્રમાં નવી નવી શોધ કરવા અને નવા નવા સાધનની શોધ કરવા માટે ઇનોવેશન પાછળ જંગી રકમની જોગવાઇ કરવી પડશે. કેટલાક દેશો તો શોધ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી દવા અને અને સાધનોને ખર્ચ કરતા અનેક ગણી કિંમતો પર આને વેચીને અબજો રૂપિયા કમાવી રહ્યા છે. આપણા દેશમાં પ્રતિભાઓની કોઇ કમી નથી. માત્ર સંશાધનોનો અભાવ દેખાય છે. સરકારની ઉદાસીનતા અને અવસર પુરતા પ્રમાણમાં ન મળવાના કારણે આ બાબત શક્ય રહેલી નથી. જેના કારણે આવી પ્રતિભાઓ પલાયન કરી રહી છે. આવા કુશળ લોકો અન્ય દેશોમાં જઇને આવક ઉભી કરી રહ્યા છે. સરકારને ખાનગી ક્ષેત્રની જેમ જ આ ક્ષેત્રમાં આરોગ્ય પ્રવાસના ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર છે.
ભારતમાં પ્રતિ વ્યક્તિ તબીબોની સંખ્યા ઓછી છે. જેથી તબીબ એક દર્દીને માત્ર બે મિનિટ સુધી તપાસ કરી શકે છે. જ્યારે અમેરિકા સહિતના કેટલાક દેશોમાં દરેક વ્યક્તિને સરેરાશ ૨૦ મિનિટ સુધી તબીબી તપાસ કરે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા મુજબ ૧૦૦૦ પ્રતિ વ્યક્તિ પર લઘુત્તમ એક તબીબ રહે તે જરૂરી છે. જર્મનીમાં તો રેશિયો વધારે છે. બજેટમાં આરોગ્ય ક્ષેત્રમાં કરવામાં આવનાર વધારો અનેક ગણો રહે તે જરૂરી છે. નાણાનો ઉપયોગ યોગ્ય રીતે થાય તે દિશામાં ધ્યાન આપવાની જરૂર છે. નવી હોસ્પિટલના નિર્માણ અને સામાન્ય વ્યક્તિ માટે સરળ તબીબી સેવા મળે તે જરૂરી છે. દરેક વ્યક્તિને સ્વસ્થ આરોગ્ય માટે નિયમિત મેડિકલ ચેકઅપ ની વ્યવસ્થા ઉભી થવી જોઇએ.