અમદાવાદ : ગઈકાલે જુદા-જુદા પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસેની જીત અને ભાજપના સૂપડા સાફ થઇ જતાં ગુજરાત સહિત દેશભરમાં ભાજપની છાવણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ખુદ ભાજપના જ નેતાઓ અને તેમની સહયોગી પાર્ટીના નેતાઓ દ્વારા ચૂંટણીમાં હારને લઇ ભાજપ પર નિશાન સાધી સલાહ આપવામાં આવીહતી ત્યારે ગુજરાતમાં પણ રાજકોટ ખાતે એક સામાજીક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ભાજપના નેતા રેશમા પટેલે બહુ હિમંતભર્યુ અને બિન્દાસ્ત નિવેદન આપતાં જણાવ્યું હતુંકે, તાજેતરની વિવિધ રાજયોની વિધાનસભામાં ભાજપની હારએ તેના સત્તાના ઘમંડ અને અભિમાનની હાર છે.
કોંગ્રેસમુક્ત ભારતના નારા સાથે હું સહમત નથી.પરંતુ રાહુલ ગાંધીની સાથે ચાલવાની વાત સાથે સહમત છું. ભાજપને સત્તાનું ઘમંડ હોવાથી આ પરિણામ આવ્યું છે. એટલું જ નહી, પોતે જસદણમાં પણ ભાજપનો પ્રચાર નહીં કરે તેવું પણ રેશમા પટેલે સાફ કરી દીધુ હતું. રેશમા પટેલે તેના સ્પષ્ટ વકતા તરીકેની ઇમેજ જાળવી રાખતા આજે સ્પષ્ટ કર્યું હતું કે, હું એ લોકોની(ભાજપની) ખોટી ડિસીપ્લીનમાં નહી રહી શકું, હું આ જ રીતે કામ કરીશ. તે લોકોને કોઇ તકલીફ હશે તો તે નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ વાયદાઓ આપી ભૂલી જાય છે. કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર મુર્ખામીભર્યું છે. લોકશાહીમાં વિરોધ પક્ષનું એક આગવું મહત્વ છે. પરંતુ ભાજપની કેન્દ્રીય નેતાગીરીમાં ઠસોઠસ અભિમાન ભરેલું હોવાથી આવાત સમજવા તૈયાર નથી. એટલે આગામી લોકસભામાં ગુજરાતમાંથી ઓછી સીટ ભાજપને મળશે. હાલ લોકોની આંખમાં આંસુ છે અને જનતાના એક-એક આંસુ સરકાર માટે ખતરા સમાન છે. મને એવું લાગે છે કે અમારી વિશ્વાસની વાત ભૂલ ભરેલી હતી. ભાજપ ગુજરાતમાં ક્યાંય ખરી ઉતરી નથી.
મારા ખુદના અનુભવ પરથી હું કહી શકું છું. અમારે સકારાત્મક અભિગમ નહીં પરિણામ જોઈએ છે. શહીદ પરિવારોને આજ દિવસ સુધી નોકરી કે કોઈ મદદ મળી નથી. આવું કરશે તો ભાજપે સત્તા ગુમાવવી પડશે. તેમજ ભાજપ તેમની માંગણીઓ સાથે સહમત નહીં થાય તો ૨૦૧૯ની ચૂંટણીમાં સરકાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. રેશ્મા પટેલે સ્પષ્ટ જણાવ્યું કે, હજુ અનામતનું કોકડું પણ ગુંચવાયેલું છે એટલે તે ભૂલી જાઉં પણ જે શહીદ પાટીદારો છે, તેમના પરિવારજનોને નોકરી આપવામાં પણ આટલો ઇગો વચ્ચે આવે છે? તો એટલી તો સમજ પડે ને કે એ લોકોને અભિમાન કેટલું છે. મેં લેટર લખ્યો, સીએમના બે ફોન આવ્યા અને કહ્યું કે,નાયબ મુખ્યમંત્રીને મળી લેજો અમે શહીદોના પરિવારને સાથે લઇને મળ્યા પણ એ લોકોએ કંઇક નક્કર કાર્ય કરવું જોઇએ. પાર્ટી છોડવાને લઇ કહ્યું કે, મને એટલી સમજ પડે છે કે, હું એ લોકોની ખોટી ડિસીપ્લીનમાં નહીં રહી શકું, હું આ જ રીતે કામ કરીશ. મહારાષ્ટ્રમાં એ લોકો અલગ નીતિથી અનામત આપે છે અને ગુજરાતમાં બેવડા ધોરણો છે. ગુજરાતમાં કહેતા હતા ના મળે. મહારાષ્ટ્રમાં કેમ આપી? અમારે ગુજરાત સરકારનો કેમ બચાવ કરવો. હું અનામત મુદ્દે પણ સ્પષ્ટીકરણ કરીશ કે, કોંગ્રેસ આપે કે ન આપે તમે આપવાના હોયતો કહો. રેશમા પટેલના આ બેબાક બોલને પગલે એકબાજુ તેની ભારોભાર પ્રશંસા થઇ રહી છેતો બીજીબાજુ, ભાજપ વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. ભારે વિવાદ સર્જાતાં છેવટે ભાજપ તરફથી રેશમા પટેલને સંયમ રાખી નિવેદન કરવા સૂચનકર્યું હતું.