મુંબઇના વર્લી વિસ્તારમાં આવેલી એક 33 માળની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાંથી 95 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, બોલિવુડ અભિનેત્રી દિપીકા પાદુકોણ પણ આ જ બિલ્ડીંગમાં રહે છે. 8 ફાયરબ્રિગેડની ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઇ છે. કોઇના મૃત્યુ કે ઘાયલ હોવાની જાણ હજૂ સુધી થઇ શકી નથી.
આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં 2 થી 3 માળ સુધી ફેલાઇ ગઇ હતી. જ્યારે આ ભીષણ આગ લાગી ત્યારે દિપીકા પાદુકોણ ઘરે નહોતી. તે કોઇ એડના શૂટિંગ માટે બહાર ગઇ હતી. 33 માળની આ બિલ્ડીંગમાં આગ લાગી છે. જ્યારે દિપીકા પાદુકોણ 26માં માળે રહે છે.
દિપીકાએ આ ઘર 2010ના વર્ષમાં 16 કરોડમાં ખરીદ્યુ હતુ. વિનીતા ચૈતન્યએ દિપીકાના ઘરને ડેકોરેટ કર્યુ છે . આ અપાર્ટમેન્ટ સિદ્ધીવિનાયક મંદિરથી નજીક છે. જ્યારે આગ લાગી તેના થોડી જ મિનીટોમાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઇ હતી. આગ કેવી રીતે લાગી તેનું કોઇ કારણ હજૂ સ્પષ્ટ થયુ નથી. 95 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.