વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ફોર્મ દાખવી શક્યો નથી. શનિવારે તેને ટીમમાં સામેલ કરાયો ત્યારે ટીવી કોમેન્ટેટર્સ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા કેમ કે તેને કારણે દીક હુડાનો ભોગ લેવાયો હતો. એક તરફ પસંદગીકારો માત્ર ફોર્મને પ્રાથમિકતા અપાતી હોવાનો દાવો કરતા હોય છે તો બીજી તરફ ત્રણ વર્ષમાં કોઈ પણ કક્ષાના ક્રિકેટમાં સદી નહીં નોંધાવી શકેલા કોહલીને સામેલ કરવા માટે ઇન-ફોર્મ ખેલાડીને બહાર રખાય છે. આમ યુવાન અને ફોર્મ ધરાવતા ખેલાડીને પડતો મૂકીને કોહલીને માત્ર તેના ભવ્ય ભૂતકાળને ધ્યાનમાં રાખીને ટીમમાં સામેલ કરાયો હોવાની બાબતનો ઘણા નિષ્ણાતો અને રમતપ્રેમીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તેમાં ભારતના મહાન ઓલરાઉન્ડર કપિલદેવનો પણ સમાવેશ થાય છે. આ સંજોગોમાં ભૂતપૂર્વ સુકાની કપિલદેવે સવાલ કર્યો હતો કે વિરાટ કોહલીને કેમ પડતો ન મૂકી શકાય? જો ટેસ્ટ ટીમમાંથી રવિચંદ્રન અશ્વિન જેવી કક્ષાના બોલરને બાકાત રાખી શકાતો હોય તો કોહલીને પણ વર્તમાન ફોર્મની દૃષ્ટિએ બહાર રાખવો જોઇએ.
કપિલદેવે જણાવ્યું હતું કે જો ટેસ્ટ ક્રિકેટમાં ૪૫૦ વિકેટ લેનારા અશ્વિનને ટેસ્ટ ટીમમાંથી બહાર રાખવામાં આવતો હોય તો કોહલી પણ હવે ટી૨૦માં કાયમી નથી અને તેનું વર્તમાન ફોર્મ અત્યંત કંગાળ છે. તેને પણ પડતો મૂકી શકાય છે. છેલ્લા ત્રણ વર્ષથી કોહલી નિષ્ફળ જઈ રહ્યો છે આમ છતાં તેને ટી૨૦ ટીમમાં જારી રાખવામાં આવે તો ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા ખેલાડીઓ સાથે અન્યાય કરી રહ્યું છે.
ખેલાડીની પસંદગી ફોર્મને આધારે થવી જોઇએ નહી કે તેની ભૂતકાળની પ્રતિષ્ઠાને આધારે થવી જોઇએ. એક મુલાકાતમાં કપિલદેવે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ અને ફોર્મ જોતાં કોહલી ટી૨૦ ઇલેવનની બહાર હોઈ શકે કેમ કે હાલમાં કોહલી માત્ર તેની પ્રતિષ્ઠાના જોરે જ ટીમમાં છે. આપણે તેને જે રીતે રમતા જોયો છે તેવા ફોર્મમાં તે હાલમાં નથી. તેણે પોતાના પ્રદર્શનના આધારે જ નામના હાંસલ કરી છે પરંતુ તે ફોર્મમાં ન હોય તો સારો દેખાવ કરનારા ખેલાડીના ભોગે તેને ટીમમાં રાખી શકાય નહીં. ટીમમાં સ્થાન માટે તંદુરસ્ત સ્પર્ધા હોવી જોઈએ અને હું આવી સ્પર્ધા જોવાનું પસંદ કરીશ જ્યારે યુવાન ખેલાડીઓ સ્ટાર ખેલાડી સામે પડકાર રજૂ કરતા હોય. આ સંજોગોમાં કોહલીને વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં આરામ અપાય તો હું તેને ‘પડતો મુકાયેલો’ જ માનીશ તેમ કહીને કપિલદેવે ઉમેર્યું હતું કે તમે તેને આરામ કહી શકો તો કોઈ તેને પડતો મુકાયેલો કહેશે. દરેકના પોતાના અભિપ્રાય હોય છે. દેખીતી રીતે જ પસંદગીકારો તેને સ્થાન આપતા નથી તો તેનો અર્થ એ થયો કે તે સારો દેખાવ કરી રહ્યો નથી.ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને ટી૨૦ સિરીઝ રમી રહી છે ત્યારે વિરાટ કોહલી સહિત કેટલાક સિનિયર ખેલાડી ટીમ સાથે સામેલ થઈ ગયા છે.
શનિવારે રમાયેલી બીજી ટી૨૦માં વિરાટ કોહલીને ઇલેવનમાં સામેલ કરવા માટે યુવાન અને ફોર્મ ધરાવતા દીપક હુડાનો ભોગ લેવાયો હતો જેણે પહેલી ટી૨૦માં શાનદાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત તેણે આયર્લેન્ડ સામે પણ સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલી શનિવારે માત્ર એક રન કરી શક્યો હતો.