હવાઈ મુસાફરી કરવી હોય તો તમારા માટે ખુશખબરી છે. ૩૧ ઓગસ્ટ એટલે કે આજથી હવાઈ મુસાફરીની ટિકિટોના નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફાર પછી હવાઈ મુસાફરી સસ્તી બની શકે છે, જેનાથી તહેવારની સીઝનમાં લોકોને રાહત મળી શકે છે. બુધવારથી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ હવાઈ મુસાફરી પર મૂલ્ય કેપ હટાવી દીધી છે. અત્યાર સુધી તમામ એરલાઈન્સ સરકારે આપેલા પ્રાઈસ કેપ નિયમો અનુસાર ટિકિટના ભાવ રાખતી હતી. જેના કારણે તેઓ ગ્રાહકોને ટિકિટ પર ઓફર આપી શકતી નહોતી. આ મહિનાની શરુઆતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કર્યા બાદ પ્રાઈસ કેપ પરત લેવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
એરલાઈન્સ સરકાર પર પ્રાઈસ બેન્ડ પરત લેવા માટે દબાણ કરી રહી હતી. તેમનું કહેવું હતું કે મહામારીની મંદી બાદ પ્રાઈસ કેપ્સ તેમની રિકવરીને પ્રભાવિત કરી રહ્યા છે. એર ટિકિટ પરથી પ્રાઈસ કેપ હટ્યા બાદ એરલાઈન કંપનીઓ પોતાના હિસાબે હવાઈ મુસાફરીના ભાડામાં વધારો ઘટાડો કરી શકશે. મે ૨૦૨૦માં સરકારે હવાઈ મુસાફરીની ટિકિટોના ભાડા પર પ્રાઈસ કેપ લગાવી દીધી હતી. હવે તેને ૨૭ મહિના બાદ આજે એટલે કે ૩૧ ઓગસ્ટના રોજ હટાવવામાં આવશે. ગત મે મહિનામાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે ઊંચી એટીએફ કિંમતો અને અન્ય સ્થાનિક કારણોને લીધે સરકારને પ્રાઈસ કેપ યથાવત રાખવી પડી હતી. મહામારીના કારણે લાગેલા લોકડાઉન પછી મે ૨૦૨૦માં બે મહિનાના અંતર પછી એરલાઈનની સર્વિસ ચાલુ થઈ હતી. ત્યારે સરકારે એરફેરમાં માર્કટ કેપ લગાવી દીધી હતી. સરકારે મિનિમમ ભાડાનો આ નિયમ એટલા માટે લગાવી દીધો હતો કે એરલાઈન્સ કંપનીઓના હિતોની સુરક્ષા થઈ શકે. તેમજ વધુમાં વધુ કિંમતો માટે પણ એટલા માટે પ્રાઈસ કેપ રાખી હતી કે પ્રવાસીઓને પણ વધુ ભાડું ન ચૂકવવું પડે. સરકારે ભાડા પર પ્રાઈસ કેપ લગાવતા સાત બેન્ડ જાહેર કર્યા હતા. જેમાં ૪૦ મિનિટના ફ્લાઈટ ટાઈમથી લઈને ૧૮૦-૨૧૦ મિનિટના ફ્લાઈટ ટાઈમ સુધીના ફેર બેંડ નક્કી કરવામાં આવ્યા હતા. નિયમો અનુસાર ૪૦ મિનિટથી ઓછા સમયની ફ્લાઈટ માટે વિમાનનું મીનીમમ ભાડું ૨૯૦૦ રુપિયા (જીએસટી છોડીને) અને મેક્સિમમ ૮૮૦૦ રુપિયા (જીએસટી છોડીને) નક્કી કરવામાં આવ્યું હતું.