નવી દિલ્હી : પુલવામાના ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાનની સામે કઠોર વલણ અપનાવીને ભારત સરકારે સિંધુ જળ સમજૂતિ છતાં હજુ સુધી પાકિસ્તાનને આપવામાં આવી રહેલા વ્યાસ, રાવિ અને સતલુજ નદીના પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે. સિંધુ જળ સમજૂતિ હેઠળ પાકિસ્તાનને આપવામાં આવનાર પાણી બંધ કરવામાં આવશે. સરકાર તરફથ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, ત્રણેય નદીઓ ઉપર બનેલા પ્રોજેક્ટની મદદથી પાકિસ્તાનને આપવામાં આવી રહેલું પાણી હવે પંજાબ અને જમ્મુ કાશ્મીરની નદીઓમાં પ્રવાહિત કરી દેવાશે.
આના માટે જમ્મુ કાશ્મીરના શાહપુર-કાંડીમાં રાવિ નદી ઉપર એક પ્રોજેક્ટનું નિર્માણ કામ શરૂ થઇ ચુક્યું છે. ૧૯૬૦માં પાકિસ્તાન સાથે સિંધૂ જળ સમજૂતિ થઇ હતી. પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.
ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી.