નવીદિલ્હી : ગુજરાત સહિત ચાર રાજ્યોની એર ડિફેન્સ યુનિટની સરહદ પર તૈનાતીનો નિર્ણય ભારતીય સેનાની આંતરિક સમીક્ષા સમિતીની બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેમાં તમામા પાસા પર વ્યાપક વિચારણા કરવામાં આવી હતી. આ રિવ્યુ બેઠક ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડા પર કરવામાં આવેલા હવાઇ હુમલા બાદ બોલાવવામાં આવી હતી. જેમાં હવાઇ હુમલા બાદ ઉભી થયેલી તમામ પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના ટેરર કેમ્પને ફુંકી મારવામાં આવ્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી. આર્મીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે એર ડિફેન્સ યુનિટ સરહદની નજક તૈનાત કરવાથી સરહદ પારથી કોઇ પણ દુસાહસ થવાની સ્થિતીમાં તેને અસરકારક રીતે નિષ્ફળ કરી શકાશે. સાથે સાથે તેને એ વિસ્તાર સુધી જ મર્યાિદત કરી શકાશે. અત્રે નોંધનીય છે ભારતની એર ડિફેન્સ યુનિટનુ નેતૃત્વ હાલના દિવસોમાં લેફ્ટીનન્ટ જનરલ એપી સિંહ કરી રહ્યા છે. આ યુનિટમાં ભારત અને ઇઝરાયેલની મદદથી તૈયાર કરવામાં આવેલા એમઆર-એસએએમ, આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ, બોફોર્સ ૪૦ એમએમ ગન તેમજ અન્ય અસરકારક અને પ્રયોગ કરવામાં આવી ચુકેલા હથિયારો રહેલા છે. ભારતીય સેના એકબાજુ જમ્મુ કાશ્મીરમાં હાલમાં ત્રાસવાદીઓ સામે જોરદાર ઓપરેશન ચલાવી રહી છે. બીજી બાજુ સરહદ પર સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાત સહિત ચાર રાજ્યોની એર ડિફેન્સ યુનિટને સરહદ પર ગોઠવી દેવાનો હેતુ પણ ખાસ સંકેત આપે છે. બાલાકોટમાં હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને પણ ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરીને ભારતીય સૈન્ય સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. પાકિસ્તાનના કેટલાક વિમાનો ભારતીય ક્ષેત્રમાં ઘુસી પણ ગયા હતા. જો કે ભારતીય જવાનો એલર્ટ હતા. જેથી તેમના ઇરાદા સફળ રહ્યા ન હતા. તેમના એક વિમાનને તોડી પાડવામાં આવ્યુ હતુ.