નવીદિલ્હીઃ લોકસભામાં એસસી અને એસટી એક્ટને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય મુદ્દે આજે આક્રમક અને ગરમાગરમ ચર્ચા થઇ હતી. સામ સામે આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. કોંગ્રેસે મોદી સરકાર ઉપર આક્ષેપ કર્યો હતો કે, આ ગાળા દરમિયાન સરકારે તમામ વટહુકમ પસાર કરાવ્યા છે, પરંતુ દલિતો અને આદિવાસીઓના હિત અને તેમની સુરક્ષા કરનાર એક્ટની મજબૂતી ઉપર વટહુકમ લાવી શકાયો નથી.
અલબત્ત સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે, કેબિનેટે આના ઉપર બિલ પસાર કરી દીધું છે અને આને આ સપ્તાહમાં જ પસાર કરવામાં આવશે. એસસી અને એસટી એક્ટ ઉપર વટહુકમ લાવવા કોંગ્રેસે રજૂઆત કરી હતી, જ્યારે રાજનાથસિંહે ખાતરી આપી હતી કે, વર્તમાન સત્રમાં જ આને પાસ કરવામાં આવશે. આજે કોંગ્રેસના સાંસદ મÂલ્લકાર્જુન ખડગે દ્વારા લોકસભામાં એસસી અને એસટી એક્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ખડગેએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ ગાળા દરમિયાન અનેક વટહુકમ લાવવામાં આવ્યા છે, પરંતુ એસસી અને એસટી એક્ટ ઉપર કોઇ વટહુકમ કેમ લાવવામાં આવ્યા નથી. સરકારે આ અંગે ખુલાસો કરવો જોઇએ. ખડગેએ ઉમેર્યું હતું કે, આ વર્ગના લોકો ઉપર દેશમાં દર ૧૫ મિનિટે અત્યાચાર કરવામાં આવે છે. આ વટહુકમ વહેલીતકે લાવવાના પ્રયાસ કરવા જોઇએ. આના પર બિલ રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી. સરકાર સમક્ષ માંગ કરતા કહ્યું હતું કે, આના ઉપર વટહુકમ લાવવામાં આવશે તો સર્વસંમતિથી પસાર કરવામાં આવશે.
મોદી સરકાર તરફથી જવાબ માટે ઉભા થયેલા રાજનાથસિંહે કહ્યું હતું કે, ખડગે દ્વારા જે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે તેનાથી આશ્ચર્ય થયું છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, તેમને કદાચ આ અંગેની માહિતી છે કે, મોદી કેબિનેટ દ્વારા આ બિલને મંજુર કરી દેવામાં આવ્યું છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, એસસી અને એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી એ પ્રકારનો સંદેશો ગયો હતો કે, એક્ટને કમજોર કરવાનું કામ કરવામાં આવ્યું છે. મોદીએ વચન આપ્યું હતું કે, આને કમજોર કરવામાં આવશે નહીં.
રાજનાથસિંહે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વડાપ્રધાને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જરૂર પડશે તો આનાથી પણ વધારે કઠોર બિલ લાવવામાં આવશે. ખડગેના પ્રશ્નનો જવાબ આપતા રાજનાથસિંહે કહ્યું હતું કે, આ બિલને વર્તમાન સત્રમાં જ પાસ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારના દિવસે જ એસસી અને એસટી એક્ટની મૂળભૂત જોગવાઈને ફરી સ્થાપિત કરવા સંબંધિત બિલની દરખાસ્તને મંજુરી આપી હતી. આને વર્તમાન સંસદ સત્રમાં જ પાસ કરાવવાની તૈયારી કરવામાં આવી છે.
આ પહેલા એનડીએના અનેક ઘટક પક્ષો આ મુદ્દા ઉપર ખુબ આક્રમક વલણ અપનાવી ચુક્યા છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીએ તો આંદોલનની ધમકી પણ આપી દીધી હતી. આ મામલા પર કેન્દ્ર સરકારની સામે દલિત સંગઠનો દ્વારા ભારત બંધની હાકલ પણ કરવામાં આવી હતી. બીજી એપ્રિલના દિવસે ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસા થઇ હતી. ભાજપના પણ કેટલાક દલિત સાંસદોએ આ મુદ્દાને પાર્ટીની અંદર જોરદાર રીતે ઉઠાવ્યો હતો. મોદી સરકાર એસસી-એસટી એક્ટને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહી છે.