તુર્કી-સીરિયાના ભૂકંપમાં થયેલા મોતનો આંકડો ૧૫૦૦૦ને પાર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

તુર્કી-સીરિયામાં સોમવારે ઉપરાઉપરી આવેલા ભૂકંપના આંચકાઓ બાદ જે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે તે ખુબ જ હ્રદયદ્વાવક છે. મૃત્યુઆંક હવે વધીને ૧૫૦૦૦થી વધુ થયો છે. અધિકારીઓના જણાવ્યાં મુજબ તુર્કીમાં ઓછામાં ઓછા ૧૨,૩૯૧ લોકો માર્યા ગયા છે. જ્યારે સીરિયામાં ૨૯૯૨ લોકો માર્યા ગયા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે. કારણ કે  ખરાબ હવામાન અને કડકડતી ઠંડીના કારણે રાહત અને બચાવ કાર્યમાં વિધ્ન આવી રહ્યું છે. અનેક જગ્યાએ કાટમાળ નીચે દબાયેલા લોકોને કાઢવાનું કામ ચાલુ છે. આ બધા વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને સ્વીકાર્યું છે કે ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્યમાં ‘ઉણપ’ રહી છે. તેમણે સ્વીકાર્યું કે દક્ષિણ તુર્કીમાં વિનાશકારી  ભૂકંપ આવ્યા બાદ તેમની સરકારે શરૂઆતની કાર્યવાહીમાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તેનાથી લોકોમાં મોટા પાયે આક્રોશ ફેલાયો. એર્દોગને ભૂકંપ પ્રભાવિત કહરમનમારસ શહેરની મુલાકાત દરમિયાન કહ્યું કે નિશ્ચિતપણે કમીઓ છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિઓ જોતા સ્પષ્ટ છે કે અમારી તૈયારીઓમાં કમી છે પરંતુ આ પ્રકારની આફત માટે તૈયાર રહેવું શક્ય નથી.

બીજી બાજુ વિપક્ષી દળો સહિત સ્થાનિક લોકો તુર્કી સરકાર પર હુમલો કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે ભૂકંપ ટેક્સમાં વસૂલ કરાયેલી રકમ ક્યાં અને ક્યારે ખર્ચ થઈ. તેની વિગતો આપો. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ લોકો તુર્કી સરકારને સીધી રીતે ઘેરી રહ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે ૮૮ અબજ લીરા (તુર્કી કરન્સી) ની તે રકમ ક્યાં ગઈ જેને અનેક દાયકાઓથી ભૂકંપ ટેક્સ તરીકે વસૂલવામાં આવી રહી છે.

અત્રે જણાવવાનું કે ૧૯૯૯માં તુર્કીમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. જેમાં ૧૭૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. આ તબાહીથી તુર્કીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હતું. ત્યારબાદ તુર્કીની સરકારે ભૂકંપ જેવી આફતને પહોંચી વળવા માટે નાગરિકો પાસેથી ભૂકંપ ટેક્સ વસૂલવાનું શરૂ કરી દીધુ. જેથી કરીને સમયસર આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકાય. ત્યારબાદ આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી શકાય. એક અંદાજા મુજબ અત્યાર સુધીમાં આ ટેક્સથી લગભગ ૮૮ અબજ લીરા (૪.૬ અબજ ડોલર)ની રકમ જમા થઈ છે. જો કે સરકારે હજુ સુધી તેની સૂચના જાહેર કરી નથી. પરંતુ હવે લોકો પૂછી રહ્યા છે કે તે રકમ ક્યાં અને કેવી રીતે ખર્ચ કરાઈ.

Share This Article