બેંગલોર : કર્ણાટકના સિદ્ધગંગા મઠના મઠાધીશનું લાંબી માંદગી બાદ અવસાન થતા સમગ્ર કર્ણાટકમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. મઠાધીશ શિવકુમાર સ્વામીનું ૧૧૧ વર્ષની વયે અવસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી તેમજ અન્યોએ તેમના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કુમાર સ્વામીએ આ અંગેની માહિતી આપી હતી. શિવકુમાર સ્વામીએ ૧૧.૪૫ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. લિંગાયત-વીરસેવ સમુદાયના સ્વામીજી ૧૧૧ વર્ષના હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ કરવામાં આવશે. તેમના અવસાન બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. સ્વામીને વોકીંગ ગોડ (જીવિત ભગવાન) તરીકે ગણવામાં આવતા હતા.
મુખ્યમંત્રી કુમારસ્વામીએ નિવેદન કરતા કહ્યું છે કે રાજ્ય સરકાર સિદ્ધગંગા મઠના મઠાધીશ શિવકુમાર સ્વામીના અવસાન પર રાજકીય શોકની જાહેરાત કરવાની સાથે સાથે તમામ સ્કુલ, કોલેજા અને સરકારી ઓફિસોમાં એક દિવસની જાહેર રજા જાહેર કરી દીધી છે. મુખ્યમંત્રી ઉપરાંત કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદીયુરપ્પા, એનડી પાટીલ જેવા લોકો પણ મઠમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી પર આઠમી ડિસેમ્બરના દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને ફેફસામાં ઇન્ફેકશન થઈ ગયું હતું. ત્યારબાદથી તેઓ બીમાર રહેવા લાગી ગયા હતા. ઓપરેશન બાઈલ અને લીવરમં ઈન્ફેકશન થઈ ગયું હતું.
તાજેતરમાં જ તેમને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. તબીબો દ્વારા તેમના સમર્થકોને શાંત રહેવા માટેની અપીલ કરાઈ હતી. પહેલી એપ્રિલ ૧૯૦૭ના દિવસે તેમનો જન્મ થયો હતો. કર્ણાટકના રામનગર જિલ્લાના વીરપુર ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમને ૨૦૧૫માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. તેમને તેમના સમર્થકો બારમી સદીના સમાજ સુધારક બસવાના અવતાર તરીકે ગણતા હતા.