આતંકવાદ મુદ્દે ગંભીર છે તો પાક દાઉદ અને અન્યોને ભારતને સોંપે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પાકિસ્તાન તરફથી વાતચીતમાં સતત થઈ રહેલા પ્રસ્તાવ પર ભારતે ફરી એકવાર આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી આતંકવાદની સામે પાકિસ્તાન પગલા લેતું નથી ત્યાં સુધી તેની સાથે વાતચીત કરવી મુશ્કેલ છે. સરકારે કહ્યું છે કે જા પાકિસ્તાન આતંકવાદને લઈને ગંભીર છે તો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ અને કુખ્યાત ત્રાસવાદી લીડર સૈયદ સલાઉદ્દીન જેવા લોકોને ભારતને હવાલે કરે. સરકારી સૂત્રોએ આજે કહ્યું હતું કે હાલના દિવસોમાં એવા આતંકવાદીઓને સોંપી દેવાની માંગ કરાઈ છે જે ભારતીય છે પરંતુ પાકિસ્તાનમાં છુપાયેલા છે અને વર્ષોથી પાકિસ્તાનમાં રહે છે. જાકે પાકિસ્તાન તરફથી આ આતંકવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અપરાધિઓ પણ ખુલ્લામાં ફરી રહ્યા છે.

ભારતે સાફ શબ્દોમાં કહ્યું છે કે પુલવામા આતંકવાદી હુમલામાં જૈશની સંડોવણી બાદ પણ પાકિસ્તાન તેના લીડરો મસૂદ અઝહર અથવા તો અન્ય ત્રાસવાદી સંગઠનોની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. સૂત્રોએ કહ્યું છે કે જા પાકિસ્તાન હકીકતમાં આતંકવાદની સામે સંદેશ આપવા માંગે છે તો દાઉદ અને સૈયદ સલાઉદ્દીન જેવા ત્રાસવાદીઓને ભારતના હવાલે કરી દેવા જાઈએ. પાકિસ્તાન તરફથી કેટલાક આતંકવાદીઓને કસ્ટડીમાં લેવાના અહેવાલ આવી રહ્યા છે. આ અંગે ભારતે સંતોષની લાગણી વ્યક્ત કરી નથી. ભારતે કહ્યું છે કે આ પ્રકારની નાટ્યાત્મક કાર્યવાહીથી કોઈ અસર થશે નહીં. ભારતમાં અનેક હુમલાના માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહીમ, સલાઉદ્દીન જેવા અનેક આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે અને આ આતંકવાદીઓ અને ગુનેગારોને ભારતને સોંપી દેવાની માંગણી વર્ષોથી થતી રહી છે પરંતુ પાકિસ્તાને ઉદાસીન વલણ અપનાવ્યું છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ તંગ બનેલા છે.

આ હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આના ભાગરૂપે ભારતે જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં કબજા હેઠળના કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં ત્રાસવાદીઓના અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. જેમાં સેંકડો આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદથી બંને દેશોને વાતચીતના ટેબલ પર લાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે.

 

Share This Article