ફેસબૂકમાંથી કેટલા લોકોની ડેટાની ચોરી થઈ એ અંગે નવો આંકડો સામે આવ્યો છે. અત્યાર સુધી ફેસબૂક દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ફેસબૂકમાંથી અંદાજે ૫ કરોડ લોકોનો ડેટા કેમ્બ્રિજ એનાલિટીકાએ ચોરી કર્યો છે. આ તમામ વપરાશકર્તા અમેરિકન હતા. એટલે કે દુનિયાના બીજા દેશોના ફેસબૂક વપરાશકારો પ્રમાણમાં સલામત હતા.
પરંતુ આજે ફેસબૂકના ચીફ ટેકનોલોજી ઓફિસર માઈક સ્ક્રોપ્ફરે આપેલી માહિતી પ્રમાણે ફેસબૂકમાંથી ૮.૭ કરોડ લોકોનો ડેટા લીક થયો છે, જેમાં ભારતના પણ ૫ લાખ કરતા વધુ યુઝર્સનો સમાવેશ થાય છે. દરમિયાન માર્ક ઝકરબર્ગે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે મેસેન્જર એપ દ્વારા થતા તમામ મેસેજ ફેસબૂક ચેક કરે છે.
દરેક વ્યક્તિના મેસેજમાં ફેસબૂકને રસ ન હોય, પરંતુ યુઝર્સની જાણ વગર ફેસબૂક તેના મેસેજીસ તો વાંચે જ છે. જોકે આ વાંચન સુરક્ષા અને ધારા-ધોરણો જાળવવા માટે થતું હોવાનો ફેસબૂકનો દાવો છે. એટલે કે કોઈ વિવાદાસ્પદ મેસેજ કરે કે ખોટી માહિતી ફેલાવે કે બીજી કંઈ ગરબડ કરવાનો પ્રયાસ કરે તો મેસેજના આધારે જ ફેસબૂક તેને બ્લોક કરી શકે. માર્કે ઉદાહરણ આપતા કહ્યું હતુ કે મ્યાનમારમાં જ્યારે હિંસા ફેલાઈ ત્યારે અમે હિંસાત્મક મેસેજીસનો ફેલાવો અટકાવ્યો હતો, જેથી તોફાન વધે નહીં.
હવે લેટેસ્ટ આંકડા પ્રમાણે ફેસબૂકમાંથી પોણા નવ કરોડ લોકોની માહિતીની ઊઠાંતરી થઈ છે, જેમાં ભારતના પણ ૫,૬૨,૪૫૫ યુઝર્સનો સમાવેશ થાય છે. ફેસબૂકની સુરક્ષા વ્યવસ્થા ધારણા કરતા વધુ નબળી સાબિત થઈ છે અનેફેસબૂકની વિશ્વનિયતા વધુ તળિયે ગઈ છે.