ગ્રીન બિલ્ડિંગના કાયમી લાભોની ઓળખ કરવા માટે ડેનિશ ઇન્ડસ્ટ્રી (ડીઆઇ) અને સીઆઇઆઇ-ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (આઇજીબીસી) એક વિશેષ સંશોધન અહેવાલ – સસ્ટેનેબલ વર્કપ્લેસિસ – કેટલિસ્ટ ફોર પ્રોડક્ટિવિટી એન્ડ પ્રોફિટાબિલિટી ઇન ઇન્ડિયન બિઝનેસ લોંચ કર્યો છે. સસ્ટેનેબિલિટી, વિકાસ અને આર્થિક સહકારને પ્રાથમિકતા આપવાના મીશન સાથે ડેનમાર્ક અને ભારતે વિચારો, ટેક્નોલોજી અને સંશોધનના આદાન-પ્રદાન દ્વારા સહકાર કરી વિવિધ મોરચે ભાગીદારી કરી છે.
ડેનિશ ઇન્ડસ્ટ્રી અને સીઆઇઆઇ-આઇજીબીસીએ સહયોગી સંશોધન પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે સારી આર્થિક તકોના સર્જનમાં તથા બિલ્ડિંગમાં રહેનારાઓની ભૌતિક, બૌદ્ધિક અને સામાજિક સુખાકારીમાં વધારો કરવામાં ગ્રીન બિલ્ડિંગની ભૂમિકાની ઓળખ કરવાનો પ્રયાસ કરે છે. રોયલ ડેનિશ દૂતાવાસના ભારત ખાતેના રાજદૂત ફ્રેડી સ્વેન, ગુજરાત સરકારમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, આઇએએસ, અશ્વિની કુમારે બીજા મહાનુભાવોની સાથે આ સંશોધન અહેવાલ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે રોયલ ડેનિશ દૂતાવાસના ભારત ખાતેના રાજદૂત ફ્રેડી સ્વેને કહ્યું હતું કે, આ ડેન્માર્ક અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી કરાર માટેનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, જે બંન્ને દેશો વચ્ચે સહકારને મજબૂત કરશે. ગુજરાત સરકારમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, આઇએએસ, અશ્વિની કુમારે કહ્યું હતું કે, તેઓ ગુજરાતના વાઇબ્રન્ટ શહેરીમાં સંશોધન કાર્ય થયું હોવાની મને ખુશી છે તથા વિશ્વાસ છે કે તે સમગ્ર ભારત માટે ઉદાહરણરૂપ બનશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ટકાઉપણા સહિત વિવિધ મોરચે અગ્રેસર છે.
આઇજીબીસી અમદાવાદ ચેપ્ટરના ચેરમેન જયેશ હરિયાણીએ કહ્યું હતું કે, ગ્રીન બિલ્ડિંગની વ્યાપક સ્વિકાર્યતા સાથે બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિઓની તંદુરસ્તી અને સુખાકારી વિશે જાગૃકતા વધી છે અને તેને પ્રાથમિકતા પણ મળી રહી છે. આઇજીબીસી વર્ષ 2001થી ભારતમાં ગ્રીન બિલ્ડિંગ અભિયાનને વિસ્તારી રહ્યું છે. મને જણાવતા ખુશી છે કે આઇજીબીસીએ ભારતમાં 11.51 બિલિયન ચોરસફૂટ ગ્રીન બિલ્ટ વિસ્તારની સુવિધા પ્રદાન કરી છે. આઇજીબીસી અમદાવાદ ચેપ્ટરના પૂર્વ ચેરમેન સમીર સિન્હાએ જણાવ્યું હતું કે, આર્થિક વિકાસ મહત્વપૂર્ણ છે અને તેની સાથે-સાથે પર્યાવરણ પણ. આપણા કાર્યસ્થળ ઉપર ટકાઉ કાર્યપદ્ધતિઓને સાંકળવાથી આ પાસાઓને સંતુલિત કરવામાં મદદ મળી રહેશે. સંસાધનોની કાર્યક્ષમતા ઉપરાંત તે કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારી ઉપર નોંધપાત્ર પ્રભાવ પેદા કરે છે, જેના પરિણામે તેમની કાર્યક્ષમતા વધે છે અને પ્રતિભા પણ જળવાઇ રહે છે. મને જણાવતાં ખુશી છે કે આઇજીબીસીએ ગુજરાતમાં 1.35 બિલિયન ચોરસફૂટ ગ્રીન બિલ્ટ જગ્યાની સુવિધા પ્રદાન કરી છે.
આઇજીબીસી અમદાવાદ ચેપ્ટરના કો-ચેરમેન તરલ શાહે જણાવ્યું હતું કે, હું વિશ્વાસથી કહું છું કે ગ્રીન બિલ્ડિંગના કાયમી લાભો ઉપરાંત બીજા લાભો પણ બિઝનેસ માટે લાભદાયી છે.ડેનિશ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયાના ડાયરેક્ટર બેન્ટે ટોફ્ટકરેએ જણાવ્યું હતું કે, આ સંશોધન અહેવાલ સંશોધન માટે હંમેશા ઉત્સાહિત વિવિધ હીતધારકો વચ્ચે એક્સપોઝર અને સંવાદ દ્વારા પરિવર્તન અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતોને એક સાથે લાવવાથી કર્મચારીઓની સુખાકારી, કાર્યસ્થળ અને બિઝનેસના પ્રદર્શન વિશે નવી જાણકારી હાંસલ કરવામાં મદદ મળી છે.
આ અહેવાલની રજૂઆત સમગ્ર ઇન્ડસ્ટ્રી અને ઓફિસ વર્ક કલ્ચર માટે ખૂબજ ઉપયોગી છે, જે તેમને નોંધપાત્ર પરિવર્તનો માટે મદદરૂપ બનશે. ગ્રીન બિલ્ડિંગની સ્વિકાર્યતા તથા બિલ્ડિંગ અને બિઝનેસ માટે હેલ્ધી બિલ્ડિંગના કોન્સેપ્ટની મહત્વતા સમજવાનો આ ઉત્તમ સમય છે. દેશમાં આ પ્રથમ વખત છે કે કાર્યક્ષેત્રના માહોલ, કર્મચારીઓની સુખાકારી અને વ્યાપાર કામગીરી અંગે બિલ્ડિંગમાં રહેનારાઓની ધારણાઓ અને વર્તનને સમજવા માટે આ પ્રકારનું સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોર્પોરેટ ઓફિસો, મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયરો, ડેવલપર્સ અને ગ્રીન બિલ્ડિંગ સમૂહના બીજા સભ્યો જેવા હીતધારકોનો જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો.