અમદાવાદ : દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ખાસ કરીને ડાંગ અને xનવસારીમાં વરસાદી માહોલ રહ્યો હતો જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડાંગમાં છથી ૧૧ ઇંચ સુધીનો વરસાદ થયો છે. નવસારી પંથકમાં પણ અતિભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. બચાવ અને રાહત કામગીરી પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. પાવીજેતપુરમાં ભારે વરસાદના દોર વચ્ચે તળાવ ફાટતા ત્રણ ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા છે જે ત્રણ ગામો પાણીમાં ગરકાવ થયા છે તેમાં નાની ખાંડી, પાની અને વડદનો સમાવેશ થાય છે. સુબીરમાંથી ૩૦૦થી પણ વધુ બાળકોને બચાવવામાં તંત્રને સફળતા લાગી છે. ડાંગ આહવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો છે. ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ રહેવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત છોટાઉદેપુર, ડાંગ, તાપી અને વલસાડમાં પણ ભારે વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો હતો. હાલમાં સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પણ જાવા મળી રહી છે.
હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ દરમિયાન હજુ પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ખાસ કરીને વલસાડ, નવસારી,ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા.૬ ઓગસ્ટ સવારે ૮ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૬૦ ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૯ જળાશયો સંપૂર્ણપણે છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાઇ ગયા છે.
સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૬.૭૭ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૯.૩૯ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૧હજાર ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧,૧૬,૩૯૮, ઉકાઇમાં ૯૮,૦૯૮, દમણગંગામાં ૪૧,૯૧૮, કડાણામાં ૧૮,૦૫૫, કરજણમાં ૧૫,૮૬૬, સુખીમાં ૭,૭૯૮, પાનમમાં ૨,૮૬૨, ડોસવાડામાં ૨,૧૦૮, ઝૂજમાં ૧,૯૧૫, કેલિયામાં ૧,૭૧૮ અને વાણાકબોરીમાં ૧,૧૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે. સીઝનના કુલ વરસાદ અને ઉપરવાસમાં નોંધાયેલ વરસાદના કારણે થયેલી પાણીની આવકને લઇ રાજ્યના જળાશયોમાં ૨,૨૫,૨૫૭.૦૮ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.
જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૩૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૨.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૯.૩૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૬૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૧૭ ટકા મળી રાજયમાં કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૦.૪૬ ટકા એટલે ૨,૨૫,૨૫૭.૦૮ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે. રાજયના જળાશયોમાં પાણીની આવક વધતાં અને છલકાતાં ખેડૂતોમાં ખાસ કરીને ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે. તો, સરકાર અને તંત્ર માટે પણ રાજયની પાણીની સમસ્યા મહ્દઅંશે હલ કરવામાં મદદ મળી છે.