સુભાષબ્રીજ અને નહેરૂબ્રીજના ક્ષતિગ્રસ્ત બેરીંગ બદલી દેવાશે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદી પરના લોકપ્રિય એવા સુભાષબ્રિજ અને નહેરૂબ્રિજના પિલર પરના બેરિંગ ક્ષતિગ્રસ્ત થવાથી અમ્યુકો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ બેરીંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બંને રિવરબ્રિજ પરના બેરિંગ બદલવા માટે તેને અંદાજે એક ફૂટ ઊંચા કરવાનું ઓપરેશન હાથ ધરાશે. બ્રીજ દીઠ રૂ.બે કરોડના ખર્ચે બંને બ્રીજના ક્ષતિગ્રસ્ત બેરીંગ બદલવામાં આવશે અને આ રીપેરીંગ કામ દરમ્યાન બંને બ્રીજનો ટ્રાફિક વ્યવહાર બંધ કરાય તેવી પણ શકયતા છે.

જા કે, નાગરિકોની સલામતી અને સુરક્ષાના કારણસર આવો નિર્ણય લેવાય તેમ મનાઇ રહ્યું છે. બંને બ્રીજમાંથી સુભાષબ્રીજની બેરિંગ સૌપ્રથમ બદલાય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ નહેરૂબ્રીજની ક્ષતિગ્રસ્ત બેરીંગ બદલાશે. સાબરમતી નદી પર નહેરુબ્રિજ, સરદારબ્રિજ, દધીચિબ્રિજ, આંબેડકરબ્રિજ, સુભાષબ્રિજ અને ગાંધીબ્રિજ અને વિવેકાનંદબ્રિજ એમ કોર્પોરેશન હસ્તકના છ રિવરબ્રિજ તેમજ રાજ્ય સરકાર હસ્તકના શાસ્ત્રીબ્રિજ અને ઇન્દિરાબ્રિજ એમ કુલ આઠ રિવરબ્રિજ છે, જે પૈકી નહેરુબ્રિજ અને સુભાષબ્રિજ દાયકાઓ જૂના હોઇ તેના નદી પરના પિલરના બેરિંગને ભારે ઘસારો લાગ્યો છે.

જેના કારણે આ બેરીંગ ક્ષતિગ્રસ્ત થયા છે. ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના ના સર્જાય તે પહેલાં અગમચેતીના ભાગરૂપે અમ્યુકો તંત્ર દ્વારા અત્યારથી જ આ બંને રિવરબ્રિજ પૈકી સુભાષબ્રિજના બેરિંગને બદલવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે, જેની પાછળ અંદાજે રૂ.બે કરોડ ખર્ચાશે. આ રિવરબ્રિજના બેરિંગ બદલવા માટે તેને પહેલા એકાદ ફૂટ ઊંચા કરાશે અને ત્યારબાદ નવા બેરિંગ બેસાડીને તેને મૂળ સ્થિતિમાં લવાશે. આ ઉપરાંત રિવરબ્રિજ પરના જોઇન્ટ એકસપાન્શન ગેપ પણ પહોંળા થયા  છે જેના કારણે વાહનચાલકો ગેપમાં પછડાઇને તેમને ઈજાગ્રસ્ત કરે છે. તંત્ર દ્વારા સુભાષબ્રિજના જોઇન્ટ એકસપાન્શન ગેપના રિપેરિંગ માટેની પણ તૈયારી હાથ ધરાઇ છે.

અમ્યુકો સૂત્રોના મતે, સુભાષબ્રિજના બેરિંગ બદલવા તેમજ જોઇન્ટ એકસપાન્શન ગેપના રિપેરિંગ માટેના રૂ. બે કરોડના ટેન્ડર હેઠળ છ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની તંત્ર દ્વારા સમયમર્યાદા અપાઇ છે, પરંતુ આ સમગ્ર ઓપરેશન ત્રણથી ચાર મહિનામાં આટોપી લેવાય તેવી શક્યતા છે. સુભાષબ્રિજ બાદ નહેરુબ્રિજના પિલરના બેરિંગ બદલાશે. નહેરુબ્રિજ પરના જોઇન્ટ એકસપાન્શન ગેપનું પણ રિપેરિંગ હાથ ધરાશે. આ બંને કામગીરી માટે નહેરુબ્રિજને પણ ત્રણ-ચાર મહિના માટે ટ્રાફિક માટે બંધ કરાશે. જા બંને બ્રીજ ટ્રાફિક વ્યવહાર માટે બંધ થશે તો, નાગરિકોને થોડા મહિનાઓ માટે ભારે મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડશે.

Share This Article