પ્રસિદ્ધ પંજાબી ગાયક દલેર મહેંદીને પંજાબની એક સ્થાનિક કોર્ટે માનવ તસ્કરી કરવામાં દોષિત ગણાવ્યા છે. કેસની સુનાવણી બાદ દોષિત દલેર મહેંદીને બે વર્ષની સજા સંભળાવાઇ છે. મીડિયા અહેવાલ પ્રમાણે દલેર મહેંદીના ભાઇ સમશેર સિંહને પણ કોર્ટે દોષિત ગણાવ્યા છે. દલેક મહેંદી હાલ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે.
મીડિયાના અહેવાલ પ્રમાણે દલેર અને તેના ભાઇને ગેરકાયદે લોકોને વિદેશ મોકલવામાં દોષિત ગણાવ્યા. આ બંને લોકોને પોતાના ક્રૂ-મેમ્બર ગણાવી વિદેશ લઇ જતા હતા. તેના માટે તેઓ લોકો પાસેથી પૈસા લેતા હતા. રિપોર્ટ્સના મતે 1998 અને 1999 દરમ્યાન આ બંને ભાઇઓએ 10 લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડ્યા હતા. આ ઘટનાના પગલે બખ્શીસસિંહ નામના વ્યક્તિએ 2003ની સાલમાં દલેર મહેંદીની વિરૂદ્ધ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ જ પોલીસે આ કેસમાં FIR નોંધી હતી.
દલેર મહેંદી અને બીજા અન્ય સાથીઓ વિરૂદ્ધ 2003મા માનવ તસ્કરીનો કેસ નોંધાયો હતો. રિપોર્ટસના મતે તેની વિરૂદ્ધ કુલ 31 કેસ આવ્યા હતા. દલેરે 1998 અને 1999માં અમેરિકામાં શો કર્યો હતો, જેમાં પોતાના ક્રૂના 10 સભ્યોને તેમણે અમેરિકામાં જ છોડી દીધા હતા. કહેવાય છે કે તેના માટે એ લોકો પાસેથી પૈસા પણ લેવામાં આવ્યા હતા. આ દરમ્યાન એક એક્ટ્રેસની સાથે અમેરિકાની યાત્રા પર ગયેલ દલેરે ક્રૂ મેમ્બર્સની ત્રણ છોકરીઓને સૈન ફ્રાન્સિસ્કોમાં છોડી દીધી હતી.