ડેમલર ટ્રક એજી (‘ડેમલર ટ્રક’)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ પ્રા. લિ. (ડીઆઇસીવી)એ આજે આઇઆઇટી મદ્રાસ ઇન્ક્યુબેશન સેલ (આઇઆઇટીએમઆઇસી)ની સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ એમઓયુનો ઉદ્દેશ્ય ભવિષ્યના પરિવહન માટે જરૂરી હોય તેવા મધ્યમ અને લાંબાગાળાના ઉકેલોને ઓળખી કાઢવા માટે એક ટેકનોલોજી એપિસેન્ટરની સ્થાપના કરવાનો છે. ચેન્નઈ શહેરમાં આવેલા આઇઆઇટી મદ્રાસ રીસર્ચ પાર્ક ખાતે આજે ડીઆઇસીવી-આઇઆઇટીએમઆઇસી નામથી આ સહભાગીદારીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ એમઓયુ હેઠળ, આગામી વર્ષોમાં ભારતીય પરિવહન ક્ષેત્ર માટે ભવિષ્યલક્ષી ઉકેલો શોધવા કામ કરવા ઉત્સુક ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપનીઓને વિવિધ પ્રકારની તકોને ઓળખવા, માર્ગદર્શન આપવા અને તકો પૂરી પાડવા માટે ડીઆઇસીવી આઇઆઇટીએમઆઇસી સાથે સહભાગીદારી કરશે. ડીઆઇસીવી એ ભારતીય ઑટોમોટિવ ક્ષેત્રની પ્રથમ અને એકમાત્ર ઓઇએમ છે, જેણે પરિવહન સંબંધિત ભવિષ્યના ઉકેલો શોધવા માટે આઇઆઇટીએમઆઇસી જેવી શૈક્ષણિક સંસ્થા સાથે સહભાગીદારી કરે છે.
ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સત્યકામ આર્યાએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં ઝડપથી ઔદ્યોગિક અને આર્થિક ફેરફારો થવા જઈ રહ્યાં છે અને આગળ જતાં ટેકનોલોજી વિવિધ વ્યવસાયો અને આપણી જીવનશૈલીનું એક મૂળભૂત અંગ બની જશે. ડેમલર ટ્રક વાણિજ્યિક વાહનોના ક્ષેત્રમાં ટેકનોલોજી સંબંધિત વિકાસના મામલે હંમેશા મોખરે રહી છે. અમે ભારતમાં લાંબાગાળા માટે રોકાણ કર્યું છે, કારણ કે, અમને તેની વ્યાપક સંભાવનામાં વિશ્વાસ છે. ડીઆઇસીવીની આઇઆઇટીએમઆઇસી સાથે કરવામાં આવેલી સહભાગીદારી એ એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે, આ સહભાગીદારી એક એવી કૉમન માન્યતા પર આધારિત છે કે, ફક્ત ઉત્પાદનો પૂરાં પાડવા માટે જ નહીં પરંતુ માર્કેટપ્લેસમાં પરિવર્તન લાવવા માટે પણ ટેકનોલોજી વિકસાવવી જોઇએ અને તેનો લાભ ઉઠાવવો જોઇએ. અમારું એમ પણ માનવું છે કે, ઉજ્જવળ ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટ-અપ કંપનીઓમાં રોકાણ કરી અને તેમનું સંવર્ધન કરી અમે ભારતના સતત વિકસી રહેલા અર્થતંત્રમાં યોગદાન આપી શકીશું અને કૉમર્શિયલ વાહનો, લોજિસ્ટિક્સ અને મોબિલિટી સેવાઓના ક્ષેત્રમાં પરિવર્તનનું સ્થીરપણે નેતૃત્વ કરી શકીશું.’
ઉલ્લેખનીય છે કે, ડીઆઇસીવી અને આઇઆઇટીએમઆઇસી ઇન્ક્યુબેટર ભેગા મળીને ભવિષ્યલક્ષી પરિવહનના ક્ષેત્રમાં કામ કરી રહેલા ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટ-અપ્સને પોષશે. તેમનું ફૉકસ ડી-કાર્બનાઇઝેશન (ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન), માર્ગ સલામતી (એડીએએસ આધારિત સલામતી ટેકનોલોજીઓ), કાર્યક્ષમતા (સ્વચાલિત, કનેક્ટેડ વાહનો, ડેટા એનાલીટિક્સ), ઇકોસિસ્ટમની રચના કરવી (એક સર્વિસ ‘ટીએએએસ’ તરીકે ટ્રક) જેવા તમામ પાસાંઓ પર રહેશે તથા તે પુરવઠા શ્રૃંખલા અને લોજિસ્ટિક્સ, ઉત્પાદન, પ્રોડક્ટનો વિકાસ, સોફ્ટવેર દ્વારા સંચાલિત થતાં વાહનોના આર્કિટેક્ચર, ઇએસજી અને અન્ય સંલગ્ન ક્ષેત્રોમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે ઇન્ડસ્ટ્રીને તૈયાર પણ કરશે.
સમગ્ર ભારતમાં નવીનીકરણ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ડીઆઇસીવી-આઇઆઇટીએમઆઇસી, ડીઆઇસીવીની વાણિજ્યિક વાહનોના ક્ષેત્રમાં રહેલી કુશળતા તથા શૈક્ષણિકક્ષેત્રમાં આઇઆઇટીએમઆઇસીની પ્રવીણતાનો લાભ ઉઠાવશે. આ સહભાગીદારીની મદદથી ડીઆઇસીવી ઉભરી રહેલી ટેકનોલોજીમાં નવીનીકરણ અને પ્રગતિ સાધવાને સુવિધાજનક બનાવી શકશે, જેથી કરીને પરિવહન સંબંધિત લાંબાગાળાના ઉકેલોની ભેગા મળીને રચના કરી શકાય, જે ભારતના વિકાસનો આગામી તબક્કો છે.
આઇઆઇટી મદ્રાસ રીસર્ચ પાર્ક, આઇઆઇટીએમ ઇન્ક્યુબેશન સેલના પ્રેસિડેન્ટ પ્રો. અશોક ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે, ‘આઇઆઇટીએમઆઇસી એ ભારતમાં અગ્રણી ડીપ-ટૅક ઇન્ક્યુબેટર છે. તો ડેમલર ટ્રક એ વિશ્વમાં ભારે વાહનોની મોખરાની ઉત્પાદનકર્તા કંપનીઓમાંથી એક છે. તે સમગ્ર વિશ્વ માટે વાહનોની રચના ભારતમાં કરે છે. નજીકના ભવિષ્યમાં જ અશ્મિભૂત ઇંધણોથી ચાલતા વાહનોનું સ્થાન બેટરીથી કે હાઇડ્રોજનથી સંચાલિત થતાં ઇલેક્ટ્રિક વાહનો લેવાના હોવાથી આ ક્ષેત્રમાં નવીનીકરણ અને ડીપ-ટૅક સ્ટાર્ટ-અપ્સની શોધખોળ આદરવી એ એક ભગીરથ કાર્ય બની રહેશે. ડેમલર ઇન્ડિયા કૉમર્શિયલ વ્હિકલ્સ-આઇઆઇટીએમઆઇસીનું આ જોઇન્ટ ઇન્ક્યુબેટર એક અગ્રણી ઇન્ક્યુબેટર બનવાનો પ્રયત્ન કરશે, જ્યાં યુવા પ્રતિભાઓનો વિકાસ થઈ શકશે, આથી વિશેષ તે વિશ્વને ભાવિમાં અશ્મિભૂત ઇંધણોથી મુક્ત બનાવવા માટે એક થિંક ટેન્ક બની જશે. વિવિધ સેમિનારો, ફૉરમો, કાર્યક્રમો અને સીમ્પોઝિયમોમાં આદાનપ્રદાન કરી અને ભાગ લઇને સંયુક્તપણે માર્ગદર્શન પૂરું પાડવા અને સ્ટાર્ટ-અપ્સનું સંવર્ધન કરવા માટે આઇઆઇટીએમઆઇસી અને ડીઆઇસીવી તેમની સંબંધિત ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશે.’
આઇઆઇટી મદ્રાસ રીસર્ચ પાર્કમાં આવેલું તે ભારતનું પ્રથમ યુનિવર્સિટીમાં સ્થિત હોય તેવું રીસર્ચ પાર્ક અને ઇન્ક્યુબેશન સેલ છે. તે ભારતનું અગ્રણી ડીપ-ટૅક સ્ટાર્ટ-અપ હબ છે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યના પરિવહન માટે ઉકેલો શોધવાનો છે. ડીઆઇસીવીએ આઇઆઇટીએમઆઇસી સાથે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે અને તેમણે આઇઆઇટી મદ્રાસ રીસર્ચ પાર્ક ખાતે એક કૉ-ઇન્ક્યુબેશન સેલ સ્થાપ્યો છે.
ડીઆઇસીવીની ડિજિટલાઇઝેશનની યાત્રા વર્ષ 2019માં શરૂ થઈ હતી, જેના ભાગરૂપે વિવિધ નવી પહેલની યોજના ઘડવામાં આવી રહી છે. વ્યવસાયને લગતી વધારે ઊંડી જાણકારી પ્રાપ્ત થઈ શકે તે માટે કંપની એનાલીટિક્સના એક લેયરનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. તેનાથી વ્યાવસાયિક પ્રક્રિયાઓને કાર્યક્ષમ બનાવી શકાશે, ગ્રાહકોની યાત્રાનું ડિજિટલાઇઝેશન થઈ શકશે તથા ડીઆઇસીવીના સમગ્ર કાર્યબળનું કૌશલ્યવર્ધન કરવા માટે આઇટી આર્કિટેક્ચર અને પ્રોગ્રામનું સરળીકરણ પણ થઈ શકશે. સતત વિકસતિ જતી વ્યાવસાયિક જરૂરિયાતોને પૂરી કરવા નવીન પ્રક્રારના વ્યાવસાયિક ઉકેલો વિકસાવવા માટે ડીઆઇસીવી નિયમિત ધોરણે હેકેથોન યોજવાની પણ યોજના બનાવી રહી છે.